અમદાવાદઃ નેપાળમાં આવેલા પ્રચંડ પૂરમાં મૃત્યુઆંક 750ને પાર થઈ ગયો છે, હજુ 2500થી વધારે લોકો લાપતા છે. હજારો લોકો તેમના પરિવારજનોને શોધી રહ્યા છે. આ દરમિયાન કેટલાક એવા શબ મળ્યા છે, જેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. નેપાળ પૂરમાં અમદાવાદનું પાટીદાર દંપતિ પણ લાપતા થયું છે. ઘણા દિવસોથી તેમનો સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતિત બન્યા છે.
મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂ ઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમની પત્ની કિન્નરી પટેલ કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન નેપાળમાં લાપતા થયા છે. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ પાટીદાર દંપતિ 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. સિંગાપુર થઈને તેઓ 21 ઓગસ્ટની રાત્રે નેપાળના કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યાં ત્રણ દિવસ રોકાયા બાદ 25 ઓગસ્ટે 70 લોકોના ગ્રુપ સાથે તિમુરે બોર્ડર જવા નીકળ્યા હતા.
26 ઓગસ્ટે વહેલી સવારે 4:51 વાગ્યે મિહિરભાઈનો વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે તેઓ ઇમિગ્રેશન માટે બોર્ડર તરફ જઈ રહ્યા છે. ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. છેલ્લે તેઓ 70 લોકોના ગ્રુપ સાથે ચાઈનીઝ ઇમિગ્રેશન બિલ્ડિંગમાં હતા.
26 ઓગસ્ટે બપોરે મીડિયા દ્વારા ઘટનાની જાણ થયા પછી પરિવારે સંપર્ક કરવાના તમામ પ્રયાસો કર્યા છે, પરંતુ ફોન લાગતો નથી. ટ્રાવેલ એજન્સી તરફથી અપડેટ્સ મળી રહ્યા છે, પણ હજુ સુધી દંપતિ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ પાટીદાર દંપતિના બંને સંતાનો હાલ ન્યૂ ઝીલેન્ડમાં છે અને માતા-પિતાની ચિંતા કરી રહ્યા છે.