Thu Aug 20 2026

Logo

ઇન્ડોનેશિયાના ફ્લોરેસમાં ફરી 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 15 ઓગસ્ટે પણ આવ્યો હતો વિનાશકારી ભૂકંપ

Jakarta   2026-08-20 11:05:00
Author: Vimal Prajapati
Article Image

જકાર્તા: યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર અનુસાર, ગુરુવારે ઇન્ડોનેશિયાના ફ્લોરેસ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકાનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટે જ આ વિસ્તારમાં 7.7ની તીવ્રતાનો અત્યંત ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેના લીધે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હતું.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વ નુસા તેંગારાના એન્ડેથી આશરે 68 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રબિંદુ ધરાવતા અગાઉના શક્તિશાળી આંચકા બાદથી અત્યાર સુધીમાં 3,000થી વધુ નાના-મોટા આફ્ટરશૉક્સ અનુભવાયા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ છે.

15 ઓગસ્ટના ભૂકંપથી સર્જાયી હતી મોટી તબાહી 

આપત્તિ વ્યવસ્થાપન અધિકારીના જણાવ્યા પ્રમાણે દ્વીપના ચાર અલગ-અલગ શહેરોમાં ઓછામાં ઓછા 73 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનને કારણે આશરે 60,000થી વધુ લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર બન્યા છે. શાળા-કોલેજો, સરકારી મકાનો અને આરોગ્ય કેન્દ્રોને ભારે નુકસાન પહોંચ્યું છે. 

 

આ સાથે સાથે દ્વીપ પર 1.61 મીટર સુધીની સુનામીની નાની લહેરો પણ જોવા મળી હતી, જોકે બાદમાં ચેતવણી પાછી ખેંચી લેવાઈ હતી. ભૂસ્ખલન અને રસ્તાઓ તૂટી જવાના કારણે નાગેકેઓ રિજન્સી સહિતના અંતરિયાળ વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય પહોંચાડવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. કાટમાળ નીચે હજુ પણ ગુમ થયેલા સ્વજનોની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.