Fri Sep 11 2026

Logo

કચ્છમાં રક્ષાબંધનને લઈને બજારોમાં ખરીદીની ધૂમ: કસ્ટમાઇઝ્ડ અને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓનું આકર્ષણ, કાપડ બજારમાં મંદી

2026-08-20 12:44:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં રક્ષાબંધનને લઈને બજારોમાં ખરીદીની ધૂમ: કસ્ટમાઇઝ્ડ અને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓનું આકર્ષણ, કાપડ બજારમાં મંદી

ભુજ: શ્રાવણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉજવાતા ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન તહેવારને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છભરની બજારોમાં ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. બહેનો પોતાના ભાઈ માટે અવનવી અને આકર્ષક રાખડીઓની ખરીદી કરી રહી છે, જેના કારણે નાના ફેરિયાઓથી લઈને મોટા શો-રૂમ્સ સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ વખતે બજારમાં ‘કસ્ટમાઇઝ્ડ રાખડીઓ’નો વિશેષ ક્રેઝ 

આ વર્ષે બજારમાં પરંપરાગત રેશમી દોરા અને લૂમ્સ ઉપરાંત 'કસ્ટમાઇઝ્ડ રાખડીઓ'નો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ભાઈનું નામ, તસવીર કે ખાસ સંદેશ પ્રિન્ટ કરાવીને સ્પેશિયલ રાખડીઓ તૈયાર કરાવવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સ્કેનરવાળી રાખી, ચાંદીની રાખડીઓ તેમજ બાળકો માટે લાઈટિંગ, મ્યુઝિક, સ્પાઈડર મેન, બેટમેન, મોટુ-પતલુ જેવા કાર્ટૂન કેરેક્ટર અને પઝલ ગેમવાળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત પરંપરાગત શૈલી પસંદ કરનારા ગ્રાહકો માટે ઓમ, સ્વસ્તિક, ત્રિશૂલ, રુદ્રાક્ષ તથા નાડાછડી ધરાવતી રાખડીઓની માંગ પણ યથાવત છે.

વૈદિક અને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર

પર્યાવરણ પ્રત્યે વધી રહેલી જાગૃતિના પરિણામે વૈદિક અને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓનું આકર્ષણ વધ્યું છે. તુલસીના માંજર અને ગાયના છાણ (ગોબર)માંથી બનેલી રાખડીઓ આરોગ્યપ્રદ હોવાનો આયુર્વેદિક નિષ્ણાતોનો મત છે, કારણ કે તે રેડિએશનની અસર ઘટાડવામાં મદદરૂપ થાય છે. ભુજ નજીક આવેલા શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા આવી ૬,૦૦૦થી વધુ ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય હસ્તકળાને પ્રોત્સાહન આપતી ક્રોશિયા રાખડીઓ, કચ્છી ભરતકામ અને મોતીકામથી સજ્જ સ્થાનિક મહિલા મંડળો દ્વારા નિર્મિત રાખડીઓ 'વોકલ ફોર લોકલ'ના અભિયાનને વેગ આપી રહી છે.

રાખડીઓના ભાવમાં 25થી 35 ટકા સુધીનો તીવ્ર વધારો

મોંઘવારીના આ યુગમાં કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન અને મેકિંગ ચાર્જિસમાં વધારો થવાના કારણે રાખડીઓના ભાવમાં 25થી 35 ટકા સુધીનો તીવ્ર વધારો નોંધાયો છે. સાધારણ રાખડીઓ રૂપિયા 10થી 200ની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ફેન્સી તથા કપલ રાખડીઓ રૂપિયા 200થી 1,000 સુધીના ભાવે વેચાઈ રહી છે. ઓનલાઇન ખરીદી અને કુરિયર સેવાનો વ્યાપ વધતા પરદેશ કે દૂરના શહેરોમાં વસતા ભાઈઓ માટે 'રાખી હેમ્પર્સ' મોકલવાનું ચલણ પણ ખૂબ વધ્યું છે.

કાપડ બજારમાં મંદીની ઘેરી છાયા જોવા મળી

બીજી તરફ, તહેવારોના આ માહોલ વચ્ચે કાપડ બજારમાં મંદીની ઘેરી છાયા જોવા મળી રહી છે. રેડીમેડ કપડાંના વધતા જતા પ્રભાવ, મોલ કલ્ચર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર મળતા 50થી 70 ટકા સુધીના વળતરને કારણે કાપડ વેપારમાં સુસ્તી આવી ગઈ છે. વધુમાં, મહિલાઓમાં સાડીના ઉપયોગમાં આશરે 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને તૈયાર કુર્તી, લેગિન્સ તથા પલાઝો તરફ વલણ વધતા પરંપરાગત કાપડના વેપારીઓને આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં, રક્ષાબંધનના પર્વને લાઈને સમગ્ર કચ્છમાં સ્નેહ અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે.