(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના બીજા અથવા તો ગત મે મહિનામાં વિવિધ તેલખોળની નિકાસ મે,2025નાં 3,15,326 ટન સામે 18.58 ટકા વધીને 3,73,907 ટનની સપાટીએ રહી હતી. જોકે, પહેલા બે મહિનામાં અર્થાત્ ગત એપ્રિલ અને મે મહિનાની કુલ નિકાસ આગલા નાણાકીય વર્ષના સમાનગાળાના 7,81,189 ટન સામે 5.34 ટકાના ઘટાડા સાથે 7,39,467 ટનની સપાટીએ રહી હોવાનું ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.
નોંધનીય બાબત એ છે કે ગત એપ્રિલ મહિનામાં ખાસ કરીને રાતા સમુદ્રમાં શિપમેન્ટો ખોરવાઈ જવાથી અને નૂરભાડામાં વધારો થવાથી તેલખોળની નિકાસમાં 21.53 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, તેની સરખામણીમાં મે મહિનામાં નિકાસમાં સુધારો જોવા મળ્યો છે. ગત મે મહિનામાં થયેલી કુલ 3,73,907 ટન તેલખોળની નિકાસમાં 81,629 ટન સોયાખોળની, 2,47,001 ટન રાયડાખોળની, 28,100 ટન રાઈસબ્રાનખોળની અને 17,177 ટન એરંડાખોળની નિકાસ થઈ હતી.
જોકે, ગત એપ્રિલ અને મે મહિનાની કુલ 7,39,467 ટન તેલખોળની નિકાસ પૈકી સોયાખોળની નિકાસ ઘટીને 1,44,473 ટન (3,87,544 ટન), રાયડાખોળની નિકાસ વધીને 4,95,154 ટન (3,47,585 ટન), સિંગખોળની નિકાસ ઘટીને 318 ટન (8442 ટન), રાઈસબ્રાનખોળની નિકાસ 66,104 ટન (-) અને એરંડાખોળની નિકાસ ઘટીને 33,418 ટન (37,618 ટન)ની સપાટીએ રહી હતી.
એસોસિયેશનનાં જણાવ્યાનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં મુખ્યત્વે ચીન ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 1,17,388 ટન સામે 135.24 ટકા વધીને 2,76,147 ટનની સપાટીએ અને વિએટનામ ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 40,040 ટન સામે 100.38 ટકા વધીને 80,231 ટનના સ્તરે રહી હતી. તેની સામે બાંગ્લાદેશ ખાતેની નિકાસ 0.52 ટકા ઘટીને 1,02,100 ટન (1,02,642 ટન), દક્ષિણ કોરિયા ખાતેની નિકાસ 29.89 ટકા ઘટીને 59,570 ટન (84,966 ટન) અને થાઈલેન્ડ ખાતેની નિકાસ 44.20 ટકા ઘટીને 32,152 ટન (57,616 ટન)ની સપાટીએ રહી હોવાનું એસોસિયેશને આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.