Sat Sep 05 2026

Logo

સાઉથમાં ડેબ્યુ કરશે અક્ષય ખન્ના મેકર્સે પોસ્ટ શેર કરી આપી માહિતી, ઓળખી પણ નહીં શકો...

2026-08-19 20:58:47
Author: Darshana Visaria
સાઉથમાં ડેબ્યુ કરશે અક્ષય ખન્ના મેકર્સે પોસ્ટ શેર કરી આપી માહિતી, ઓળખી પણ નહીં શકો...

Akshaye Khanna


બોલીવૂડમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતો અભિનેતા અક્ષય ખન્ના હાલમાં પોતાના કરિયરના ગોલ્ડન પીરિયડમાંથી પસાર થઈ રહ્યો છે. 'દ્રશ્યમ ટુ', 'છાવા', 'ધુરંધર' અને 'ઈક્કા' જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યા બાદ હવે તે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય ખન્ના આગામી પૌરાણિક ફિલ્મ 'મહાકાલી' (Mahakali) દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

ડિરેક્ટર પ્રશાંત વર્મા અને આરકેડી સ્ટુડિયોઝે સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ શેર કરીને અક્ષય ખન્નાનો પ્રથમ લુક જાહેર કર્યો છે અને સાથે જાહેરાત કરી છે કે ફિલ્મની પહેલી ઓફિશિયલ ઝલક 24મી ઓગસ્ટના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના 'શુક્રાચાર્ય'ના અતિ ભયાનક અને દમદાર લુકમાં જોવા મળશે. 

ફિલ્મના મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં અક્ષય ખન્ના ઓળખી પણ ન શકાય તેવા ટ્રાન્સફોર્મેશનમાં જોવા મળે છે. લાંબી દાઢી, માથા પર ઊંચો અંબોડો, કપાળ પર તિલક, માટીના રંગના વસ્ત્રો અને પરંપરાગત રુદ્રાક્ષ-આભૂષણો સાથે તેમનો લુક અત્યંત પ્રભાવશાળી અને ડરામણો દેખાઈ રહ્યો છે.

આ પોસ્ટ શેર કરતાં મેકર્સે લખ્યું હતું કે 24મી ઓગસ્ટ - અંતની શરૂઆત. તમારી જાણકારી માટે કે 'હનુ-મેન' (Hanu-Man)ની બ્લોકબસ્ટર સફળતા બાદ ફિલ્મમેકર પ્રશાંત વર્મા ભારતીય પૌરાણિક કથાઓ અને આધુનિક વીએફએક્સને જોડીને એક મોટું યુનિવર્સ બનાવી રહ્યા છે. 'મહાકાલી' આ સિનેમેટિક યુનિવર્સનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ શેટ્ટી 'મહાકાલી'નું મુખ્ય પાત્ર ભજવી રહી છે, જેનો ફર્સ્ટ લુક પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ઉપરાંત યુવા અભિનેતા રોહિત સરાફ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

અક્ષય ખન્નાનો આ ક્લાસી લૂક સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો અને વિવેચકોનું માનવું છે કે અક્ષય ખન્નાના કરિયરનો આ સૌથી આઈકોનિક અને યાદગાર રોલ સાબિત થશે.