Mon Aug 24 2026

Logo

ખાંડમાં વધુ રૂ. 110થી 140નો ઉછાળો તંગ પુરવઠા વચ્ચે ઉત્તર પ્રદેશની ખાંડ મિલો પર ભાવ વધીને ક્વિન્ટલે રૂ. 5400ની સપાટીએ

2026-08-19 20:45:23
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સામાન્યપણે દેશમાં ઑગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થતી હોય છે, જે જાન્યુઆરી સુધી રહેતી હોય છે અને આ સમય દરમિયાન ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ પ્રબળ રહેતી હોવાથી તંગ પુરવઠા વચ્ચે ખાંડ મિલો પર તેજીનું વલણ જોવા મળી રહ્યું છે અને ઉત્તર પ્રદેશમાં એક્સ મિલ ધોરણે મિડિયમ ગે્રડની ખાંડના ભાવ વધીને ક્વિન્ટલે રૂ. 5400 અને હોલસેલ ધોરણે ભાવ ક્વિન્ટલે રૂ. 5800ની સપાટી સુધી પહોંચી ગયાના અહેવાલો હતા. આમ મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે હાજરમાં ભાવ ક્વિન્ટલે રૂ. 110થી 140 અને નાકા ડિલિવરી ધોરણે ક્વિન્ટલે રૂ. 50થી 110 વધી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 120થી 140 વધીને રૂ. 5440થી 5582માં અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 130 અને ઉપલા મથાળેથી રૂ. 110 વધીને રૂ. 5550થી 5682 આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા. 

વધુમાં આજે મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલ સાથે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પ્રબળ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 110 અને ઉપલા મથાળેથી રૂ. 100 વધીને રૂ. 5410થી 5450નાં મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 90 અને ઉપલા મથાળેથી રૂ. 50ની તેજી સાથે રૂ. 5460થી 5550ના મથાળે રહ્યાના અહેવાલ હતા.