Sun Aug 23 2026

Logo

વૈશ્વિક સોનામાં બે ટકાના ઘટાડા પશ્ચાત્‌‍ બાઉન્સબૅક

2026-08-19 20:44:04
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 212ની અને ચાંદીમાં રૂ. 3939ની પીછેહઠ 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે ફુગાવાની ચિંતા સપાટી પર આવતા ગઈકાલે અમેરિકા સામે જર્મની અને જાપાનની લાંબાગાળાના ધિરાણનો ખર્ચ એક દાયકાની ઊંચી સપાટીએ પહોંચતા સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વૈશ્વિક બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનાના વાયદામાં અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક અહેવાલોને ધ્યાનમાં લેતા ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3939નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 211થી 212નો ઘટાડો આવ્યો હતો. 

આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3939ના ઘટાડા સાથે રૂ. 2,29,225ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ રોકાણકારોની રોકાણલક્ષી માગનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 211 ઘટીને રૂ. 1,53,252 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 212ના ઘટાડા સાથે રૂ. 1,53,868ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 4356.29 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને 4410.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 63.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવાની ચિંતા સપાટી પર આવતા અમેરિકાના 30 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને એક દાયકાની ઊંચી સપાટીએ પહોંચતા સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો અને બૉન્ડની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

એકંદરે હજુ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોના-ચાંદીના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા જેફરીઝની માલિકી હેઠળની ટ્રડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝ્ુબોરાસે વ્યક્ત કરી હતી. જોકે, આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી શક્યતા વધી હોવાથી સોનામાં ધીમી પણ મક્કમ ગતિએ સુધારો જળવાઈ રહેતાં ભાવ આૈંસદીઠ 4500 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું. 

આજે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ હતી. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર જાળવી રાખે તેવી 67 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા. 

ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે કોઈ વાતચીત નથી થતી, પરંતુ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા પર અમે ભાર આપી રહ્યા છીએ એમ જણાવતાં હાલમાં ક્રૂડતેલના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચી સપાટી આસપાસ રહ્યા હતા.