Mon Sep 07 2026

Logo

અમેરિકામાં મહેસાણાના સુરેશ પટેલની હત્યા! સ્ટોર શરૂ કર્યાના માત્ર 7 દિવસમાં જ ફાયરિંગ

Tennessee   2026-08-22 22:00:21
Author: Mumbai Samachar Team
અમેરિકામાં મહેસાણાના સુરેશ પટેલની હત્યા! સ્ટોર શરૂ કર્યાના માત્ર 7 દિવસમાં જ ફાયરિંગ

ટેનેસીઃ અમેરિકામાં રહેતા અને મૂળ ગુજરાતના મહેસાણાના સુરેશ પટેલની અમેરિકાના ટેનેસીમાં હત્યા કરી દેવામાં આવી છે. ટેનેસીના જેક્સન સિટીમાં સુરેશ પટેલની હત્યા કરવામાં આવી છે. મૂળ મહેસાણાના સુરેશ પટેલની એની જ દીકરી સામે જ હત્યા કરી દેવામાં આવી છે.જેક્સન સિટીમાં તેનો પોતાનો સ્ટોર હોવાનું પણ જાણવા મળ્યું છે. તા.20 ઓગસ્ટના રોજ લૂંટના ઈરાદે આવેલા એક અજાણ્યા શખ્સે સ્ટોરમાં આવીને હુમલો કરી દીધો હતો. 

ફાયરિંગ કરીને નાસી ગયા
લૂંટ કરવા માટે આવેલા શખ્સે અચાનક ફાયરિંગ કરી દેતા સુરેશ પટેલનું મોત નીપજ્યું હતું. સુરેશ પટેલ પરિવાર સાથે 30 વર્ષથી અમેરિકાના જેક્સન સિટીમાં રહે છે. આ ઘટના બની એ સમયે એની દીકરી પણ ત્યાં સ્ટોરમાં હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગત ગુરૂવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. હથિયાર સાથે શખ્સ સ્ટોરમાં અંદર આવ્યો હતો. આરોપીએ ગન પોઈન્ટ પર ત્યાં રહેલા લોકોને લૂંટવા માટે પ્રયાસ કર્યો હતો. આરોપીએ સ્ટોરમાંથી રોકડા પૈસા લૂંટી લીધા હતા, વાવડ એવા પણ મળ્યા છે કે, સ્ટોરમાં તેને રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટના બાદ ફરીવાર અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષાને લઈને પ્રશ્ન ઊભો થયો છે. આવું પહેલીવાર થયું નથી અગાઉ પણ ગુજરાતીઓ પર ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. 

સાત દિવસમાં બની ઘટના
અમેરિકાની પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી છે. CCTVમાં આરોપી ગ્રે હૂડી, જીન્સ અને કાળા બૂટ પહેરેલો જોવા મળ્યો હોવાનું પોલીસનું કહેવું છે.પોલીસે આ શખ્સને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. સુરેશ પટેલના નિધનથી મહેસાણા સુધી એમના પરિવારજનોમાં આઘાતની લાગણી છે. આ કેસમાં પોલીસે સ્ટોરના સીસીટીવી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. એક અઠવાડિયા પહેલા જ આ સ્ટોર સુરેશ પટેલે શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગોળીબારમાં સુરેશ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા અને બુકાની પહેરીને આવેલા લૂંટેરાઓએ સ્ટોરના લોકોને નિશાન બનાવ્યા હતા. સ્ટોર શરૂ કર્યાના સાત દિવસમાં આ ઘટના બની હતી.