Fri Aug 28 2026

Logo

પૈસા માંગ્યા તો માર ખાધો: લાપતા લેડીઝના એક્ટર પર હુમલો અને અપહરણનો પ્રયાસ:  ડાયરેક્ટર દંપતી વિરુદ્ધ બે મહિના બાદ આખરે નોંધાઈ FIR

2026-08-22 17:02:43
Author: Nilesh Waghela
પૈસા માંગ્યા તો માર ખાધો: લાપતા લેડીઝના એક્ટર પર હુમલો અને અપહરણનો પ્રયાસ:  ડાયરેક્ટર દંપતી વિરુદ્ધ બે મહિના બાદ આખરે નોંધાઈ FIR

મુંબઈ: લાપતા લેડીઝ ફેમ અભિનેતા સત્યેન્દ્ર સોનીના ગંભીર આરોપ બાદ મુંબઈ પોલીસે ફિલ્મમેકર પુષ્પેન્દ્ર રામલખન સિંહ અને તેની પત્ની પ્રગતિ ચૌહાણ સામે આખરે FIR નોંધી છે. શુક્રવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. સોનીએ પહેલીવાર આરોપ લગાવ્યાના લગભગ બે મહિના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 127(3), 351(2), 352 અને 3(5) હેઠળ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સોનીએ એક ઈમોશનલ વીડિયો શેર કર્યા બાદ પોલીસે આ પગલું ભર્યું છે, જેમાં તેણે બાકી મહેનતાણું માંગવા પર હુમલો થયાનો આરોપ લગાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

સત્યેન્દ્ર સોનીએ પુષ્પેન્દ્ર સિંહ દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત આગામી ફિલ્મ 'પેડ પાલકી' માટે મધ્યપ્રદેશમાં શૂટિંગ કર્યું હતું. અભિનેતાનો દાવો છે કે શૂટિંગ પહેલા તેને માત્ર 50 હજાર રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીનું મહેનતાણું શૂટિંગ દરમિયાન ચૂકવવાનું નક્કી થયું હતું.

સોનીનો આરોપ છે કે શૂટિંગનો મોટો ભાગ પૂરો કર્યા બાદ જ્યારે તેણે બાકી પૈસા માંગ્યા, ત્યારે તેનું શૂટિંગ અચાનક પૂરું કરી દેવામાં આવ્યું અને તેને 10 મિનિટમાં હોટલનો રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું.

અભિનેતાએ વધુમાં આરોપ લગાવ્યો કે સિંહ અને ચૌહાણે તેના પર હુમલો કર્યો અને બળજબરીથી તેને કારમાં ધકેલી દીધો. સોશિયલ મીડિયા વીડિયોમાં તેણે આ અનુભવને કિડનેપિંગ જેવો ગણાવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે સોનીને સમર્થન આપ્યું અને ફિલ્મમેકર્સની ટીકા કરી હતી.

'પેડ પાલકી' ફિલ્મને લઈને ચાલી રહેલા આ વિવાદમાં દિગ્દર્શક વિરુદ્ધ FIR નોંધાવી એ મહત્વની ઘટના છે. જોકે, હાલ આ તમામ આરોપો છે અને પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર સોની લાપતા લેડીઝ ઉપરાંત મિર્ઝાપુર, બવાલ જેવી ફિલ્મો અને સિરીઝમાં જોવા મળ્યો છે.