Sun Sep 13 2026

Logo

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કાળો કહેર! 149 રસ્તાઓ ઠપ્પ, 224 લોકોએ જીવ ગુમાવ્યા અને 1121 કરોડનું નુકસાન...

2026-08-23 12:31:24
Author: Vimal Prajapati
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કાળો કહેર! 149 રસ્તાઓ ઠપ્પ, 224 લોકોએ જીવ ગુમાવ્યા અને 1121 કરોડનું નુકસાન...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા આફતના વરસાદે ભારે તારાજી સર્જી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજેતરના અહેવાલ પ્રમાણે પહાડી રાજ્યોમાં રસ્તા, વીજળી અને પીવાના પાણીની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. ભૂસ્ખલન અને પૂરના કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદી આફતમાં સૌથી વધુ માઠી અસર માર્ગ વ્યવહાર પર પડી છે.

149 મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

ખાસ કરીની વાત કરવામાં આવે તો, આ સ્થિતિના કારણે રાજ્યભરમાં મંડીમાં સૌથી વધુ 86 રસ્તાઓ, કુલ્લુમાં 31 રસ્તાઓ સહિત કુલ મળીને 149 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ સાથે ભૂસ્ખલનના કારણે વધુ 51 રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિકો અને પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો

રાજ્યમાં 60 વીજ ટ્રાન્સફોર્મર ઠપ્પ થવાથી મંડી અને ચંબાના અનેક વિસ્તારો અંધારપટમાં ડૂબ્યા છે. આ ઉપરાંત હમીરપુર અને શિમલા સહિત કુલ 35 પીવાના પાણીની યોજનાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે, જેને પુનઃસ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આશરે રૂપિયા 1121.30 કરોડ થી વધુનું મોટું આર્થિક નુકસાન

ચોમાસાની આ સિઝન દરમિયાન હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ભૂસ્ખલન, પૂર અને માર્ગ અકસ્માતોમાં કુલ 224 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 330થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અતિવૃષ્ટિ અને કુદરતી આફતોના કારણે ખાનગી અને સરકારી મિલકતોને આશરે રૂપિયા 1121.30 કરોડ થી વધુનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 441 પશુઓના પણ મોત નીપજ્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી

હવામાન કેન્દ્ર શિમલા દ્વારા કાંગડા, મંડી, ચંબા અને કલ્લુ સહિતના વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાનનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાની અને ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને પ્રશાસને લોકોને તથા પ્રવાસીઓને નદી કિનારે કે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની ખાસ સલાહ આપી છે.