Sun Aug 23 2026

Logo

કચ્છમાં તહેવારો પૂર્વે મોંઘવારીનો માર: રસોડાના બજેટથી લઈ ફટાકડા સુધી ગૃહિણીઓનું આયોજન ખોરવાયું

2026-08-23 14:45:38
Author: Vimal Prajapati
Article Image

ભુજ: કચ્છમાં આ વર્ષે દીપોત્સવીના પર્વ પૂર્વે જ મોંઘવારીનો ભારે માર પડતાં સામાન્ય અને મધ્યમ વર્ગ માટે તહેવારોની ઉજવણી પડકારજનક બની ગઈ છે. વીતેલા છ મહિના દરમિયાન ખાદ્યતેલ, દાળ, શાકભાજીથી લઈને જીવનજરૂરી દવાઓના ભાવમાં સીધો વધારો નોંધાયો છે. બીજી તરફ, ચોમાસું ખેંચાતાં સર્જાયેલી દુકાળ જેવી સ્થિતિ અને સ્વાઈન ફ્લૂના વધતા કેસોના કારણે બજારોમાંથી તહેવારોનો ઉત્સાહ ગાયબ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગના ભાવ મોનિટરિંગ ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીથી 03 ઓગસ્ટ વચ્ચે નોંધાયેલી 16 આવશ્યક ચીજવસ્તુઓમાંથી 15ના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દાળોના ભાવમાં પ્રતિ કિલોએ તુવેર દાળમાં રૂપિયા 5.96, ચણા દાળમાં રૂપિયા 4.65, અડદ દાળમાં રૂપિયા 5.71 અને ચોખામાં રૂપિયા 1.57 નો વધારો થયો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, યુદ્ધ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાના કારણે ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે રૂપિયા 2400માં મળતો તેલનો ડબ્બો હાલ રૂપિયા 2900 સુધી પહોંચ્યો છે. છૂટક બજારમાં સરસવનું તેલ રૂપિયા 193, સોયાબીન રૂપિયા 163 અને પામ ઓઈલ રૂપિયા 147 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.

બીજી તરફ, ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીની વધેલી માંગના કારણે ખાંડનો ભાવ રૂપિયા 46થી વધીને રૂપિયા 52.30 થયો છે. આ ઉપરાંત અમૂલ ગોલ્ડ દૂધ રૂપિયા 63 પ્રતિ લીટર, ગાયનું ઘી રૂપિયા 675 પ્રતિ કિલો તેમજ કાજુ રૂપિયા 1150 અને બદામ રૂપિયા 1050 પ્રતિ કિલોના ભાવે પહોંચતા સામાન્ય પરિવાર માટે સુકો મેવો પહોંચ બહાર થઈ ગયો છે.

યાર્ડ અને છૂટક બજારમાં ડુંગળી રૂપિયા 39 થી 46, બટાટા રૂપિયા 30થી 35 અને ટામેટા રૂપિયા 50 થી 60 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. લીલા મરચાં રૂપિયા 85, ભીંડા રૂપિયા 51 અને ફ્રેન્ચ બીન્સ રૂપિયા 105 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ફળોમાં કેળાં રૂપિયા 60 પ્રતિ ડઝન અને સફરજન રૂપિયા 180 થી 200 પ્રતિ કિલો વેચાતાં બાળકોના પોષણના બજેટ પર પણ કાપ મૂકવાની નોબત આવી છે. આ સાથે મોસમી બીમારીઓના કારણે દવાઓના ભાવમાં પણ 10 થી 15 ટકાનો વધારો ઝીંકાયો છે.

તમિલનાડુના સિવાકાશીથી આવતા ફટાકડા પર કાચો માલ, ટ્રાન્સપોર્ટેશન અને જીએસટીના કારણે 10થી 15 ટકાનો ભાવવધારો થયો છે. ફૂલઝડીનું પેકેટ રૂપિયા 170, હજાર વાળી લડી રૂપિયા 850 અને ફેમિલી પેક રૂપિયા 1380 માં વેચાઈ રહ્યું છે. આગામી તહેવારો અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્થાનિકોનું કહેવું છે કે, જે પરિવાર અગાઉ રૂપિયા 15,000માં દિવાળી ઉજવતો હતો તેને આ વખતે રૂપિયા 20,000થી 22,000નો ખર્ચ થાય તેમ છે. નબળા ચોમાસાના કારણે ખેતી અને પશુપાલન પર માઠી અસર પડી છે, જેને પગલે આ વર્ષે મીઠાઈ અને ફટાકડા વગર કેવળ દીવા પ્રગટાવીને સાદગીપૂર્ણ રીતે દિવાળી મનાવવાની ફરજ પડશે.

(ઉત્સવ વૈદ્ય)