Sun Aug 23 2026

Logo

કારમાં 15.39 કરોડનું સોનું લઈને જઈ રહેલા દાણચોરો પોલીસને કારને ઓવરટેક કરવા ગયા અને ફૂટી ગયો ભાંડો!

2026-08-23 17:05:43
Author: Devayat Khatana
Article Image

લખનઉ: સામાન્ય રીતે કોઈ ગુનાહિત કાવતરાને છતું કરવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડે છે, પણ અમુક કિસ્સાઓ એવા અપવાદ હોય છે કે જેમાં હરણ સામેથી સિંહ પાસે આવે. કઈક આવો જ કિસ્સો ઉત્તર પ્રદેશથી પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં ફિલ્મી દ્રશ્ય જેવી એક ઘટના હકીકતે બની છે.  કન્નૌજમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર રૂટિન ચેકિંગ દરમિયાન પોલીસની વાન સાથે ઓવરટેક કરવાના પ્રયાસમાં પુરપાટ ઝડપે આવતી એક કારની ટક્કર થઈ હતી.

આ અકસ્માત બાદ જ્યારે પોલીસે કારની તપાસ કરી ત્યારે તેમાંથી અધધ અંદાજે 15.39  કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટનું 10 કિલો સોનું મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે નેપાળના રસ્તેથી સોનાની દાણચોરી કરતી ગેંગમાં સામેલ બે યુવકોની પણ ધરપકડ કરી લીધી છે.

એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ કારમાંથી આટલા મોટા પ્રમાણમાં સોનું મળવાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા અને આ કેસની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કન્નૌજ એસપીના જણાવ્યા અનુસાર, આ સોનું નેપાળથી દાણચોરી કરીને દિલ્હી લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને દબોચી લીધા છે, જેમાંથી એક નેપાળનો અને બીજો ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 10 કિલોગ્રામ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નેપાળના પાલપા જિલ્લાના રહેવાસી 33 વર્ષીય સરોજ પંત અને ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના 28 વર્ષીય સંદીપ જયસ્વાલ તરીકે થઈ છે. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમને ગોરખપુરની એક હોટલમાંથી સોનાની આ ખેપ આપવામાં આવતી હતી, જેને તેમણે દિલ્હી પહોંચાડવાની હતી. જોકે, દિલ્હીમાં આ સોનું કોને આપવાનું છે તેની કોઈ જ માહિતી તેઓને અગાઉથી આપવામાં આવતી ન હતી.

આ સમગ્ર ઘટના શનિવારે બની હતી જ્યારે તાલગ્રામ થાણાની પોલીસ એક્સપ્રેસ વે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે જ સમયે પોલીસની ગાડી સાથે દિલ્હી જઈ રહેલી કાર અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ગભરાઈને ભાગવા લાગ્યો હતો, જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. પોલીસે તાત્કાલિક કારનો પીછો કરીને તેને રોકી લીધી હતી અને ત્યારબાદ આ કૌભાંડ પકડાયું હતું. હાલમાં આ મામલાની સૂચના કસ્ટમ અને GST વિભાગને પણ આપી દેવામાં આવી છે.