Sat Sep 12 2026

Logo

વિધાનસભ્ય રોહિત પવારના પીએની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

2026-08-23 17:00:11
Author: Yogesh C. Patel
વિધાનસભ્ય રોહિત પવારના પીએની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

માતા સાથે બોલાચાલી પછી ઘરબહાર જતી રહેલી બાળકીનું શબ બીજી સવારે નજીકનાં ઝાડીઝાંખરાંમાંથી મળ્યું

પુણે: પુણે જિલ્લાના બારામતીમાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અજિત દશાવતારેની 12 વર્ષની દીકરીનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થતાં ખળભળાટ મચી ગયો હતો. માતા સાથે નજીવી બોલાચાલી પછી ઘરબહાર જતી રહેલી બાળકીનું શબ બીજી સવારે ઘર નજીક ઝાડીઝાંખરાંમાંથી મળી આવ્યું હતું. 

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની રાતે રુઈ ગામના સાંઈનગર પરિસરમાં બની હતી. બાળકીનો મૃતદેહ રવિવારની સવારે મળી આવ્યો હોઈ આ મામલે દરેક મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત દશાવતારેની દીકરી અવનીની શનિવારની રાતે માતા સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. પછી રાતે 10 વાગ્યાની આસપાસ તે ગુસ્સામાં ઘરબહાર જતી રહી હતી. ખાસ્સો સમય વીત્યા છતાં બાળકી પાછી ન ફરતાં વડીલોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની કોઈ ભાળ ન મળતાં મધરાતે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ગુમ બાળકી પ્રકરણે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રવિવારની સવારે એ જ પરિસરમાંની એક ઈમારત પાસેનાં ઝાડીઝાંખરાંમાં એક બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમે તપાસ કરતાં મૃતદેહ અજિત દશાવતારેની પુત્રીનો હોવાનું જણાયું હતું.

પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બારામતી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બાળકીએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી હતી તે અંગે રવિવારની મોડી સાંજ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ પોલીસનું કહેવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પાસેની ઈમારતની અગાશી પરથી બાળકીનાં ચંપલ મળી આવ્યાં હતાં. એ ઈમારત નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં પણ બાળકી નજરે પડી હતી. તપાસ માટે ફોરેન્સિકની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવાઈ હતી.