Sun Aug 23 2026

Logo

ભાવનગર જિલ્લાના તળાજાના મથાવડા ગામે તળાવમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા: બેને બચાવી લેવાયા, બેના કરૂણ મોત

2026-08-23 15:48:55
Author: Pooja Shah
Article Image

​ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા મથાવાડા ગામે આજે એક અત્યંત દુઃખદ બનાવ બન્યો હતો. ગામના તળાવમાં નાહવા પડેલા ચાર યુવકો પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોની ત્વરિત મદદથી બે યુવકને સક્ષમ રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ અન્ય બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે.

​મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મથાવાડા ગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવ કિનારે ચાર યુવક ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે અચાનક પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતાં ચારેય યુવક એકપછી એક ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરણહારોએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

​સ્થાનિકોએ ભારે જહમત બાદ બે યુવકોને સક્ષમ રીતે પાણીમાંથી બહાર કાઢી લીધા હતા, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને શોધવા મુશ્કેલ બન્યા હતા. કલાકોની મુશ્કેલ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા દુર્ભાગી યુવકોમાં તુષાર ગંભીરભાઈ (ઉંમર વર્ષ ૧૮) અને મિલન ગોવિંદભાઈ (ઉંમર વર્ષ ૨૨) નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનાના વાયુવેગે સમાચાર પ્રસરતાં જ સમગ્ર મથાવાડા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટના અંગે તળાજા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી તથા મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.