નવી દિલ્હી: ભારતે અરુણાચલ પ્રદેશ બાદ હવે લદ્દાખમાં પણ એવા પગલાં લીધા છે જેના લીધે ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. જેમાં ભારતે અધિકૃત નકશા પર લદ્દાખના 28 વ્યૂહાત્મક સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને સત્તાવાર રીતે અંકિત કરીને દર્શાવ્યા હતા. જેમાં 'લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ' પર આવેલા સરહદી તણાવના મુખ્ય સ્થળો ગોગરા અને હોટ સ્પ્રિંગ્સનો સમાવેશ થાય છે. મંત્રાલયે આ સ્થળોને દર્શાવતો નકશો પણ જાહેર કર્યો છે.
સરહદી વિસ્તાર અંગે જનજાગૃતિ વધારવાનો
આ અંગે ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ પગલું કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટીતંત્ર સાથે પરામર્શ કર્યા બાદ લેવામાં આવ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય સત્તાવાર નકશાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો, સ્થળોની સચોટ ઓળખને સરળ બનાવવાનો અને સંવેદનશીલ સરહદી વિસ્તાર અંગે જનજાગૃતિ વધારવાનો છે.
સર્વે ઓફ ઈન્ડિયા' નો અધિકૃત નકશો
આ અંગે સરકારે જણાવ્યું હતું કે, ભારત સરકારે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને, 'સર્વે ઓફ ઈન્ડિયા' ના અધિકૃત નકશા પર લદ્દાખમાં કુલ 28 સ્થળો/ભૌગોલિક વિશેષતાઓ અને તેમના પ્રમાણિત નામોની ઓળખ કરી છે.
ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ મુખ્ય વ્યૂહાત્મક સ્થળોમાં સામેલ
ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ મુખ્ય વ્યૂહાત્મક સ્થળોમાં સામેલ છે અને વર્ષ 2020માં ભારતીય તથા ચીની સેનાઓ વચ્ચેના તણાવ દરમિયાન તે સંઘર્ષના કેન્દ્રો રહ્યા હતા. ભારતીય પેટ્રોલિંગ માટે આ સ્થળો અત્યંત મહત્વપૂર્ણ છે. પૂર્વી લદ્દાખ સરહદ પર ભારતીય અને ચીની દળો વચ્ચેનો તણાવ 5 મે, 2020ના રોજ પેંગોંગ ત્સો વિસ્તારમાં થયેલી હિંસક અથડામણ બાદ શરૂ થયો હતો.
અલીશા ગિરી, બ્રાંગસા, ચાપચિંગલ પાસનો સમાવેશ
આ યાદીમાં અલીશા ગિરી, બ્રાંગસા, ચાપચિંગલ પાસ, કનિષ્ક શિખર, કરુણ પીર પર્વત, કુકસેલ, માર્તંડ ગિરી, પારપિક ગ્લેશિયર, સ્કામરી ગ્લેશિયર, શાચમીરિક પાસ, શ્કોરગા ખીણ, ઝોરાવર શિખર, ડેહરા કંપાસ અને ડ્રાક કાર્પોનો પણ સમાવેશ થાય છે.
અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળોનો નકશો જાહેર કર્યો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ માસમાં મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓનાં નામ જાહેર કરી નકશો બહાર પાડ્યો હતો. ચીને આ પગલા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.