Mon Oct 05 2026

Logo

ગાંધીજીના ચશ્મા, ઘડિયાળ અને ચંપલ આજે ક્યાં છે અને કેટલામાં થઈ હતી નિલામી?

2026-10-02 17:51:37
Author: Mumbai Samachar Team
ગાંધીજીના ચશ્મા, ઘડિયાળ અને ચંપલ આજે ક્યાં છે અને કેટલામાં થઈ હતી નિલામી?

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની જયંતિ પર દેશવાસીઓના એમના સાહસ અને સિદ્ધિને યાદ કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં બાપુની સમાધિ રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજીતરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક દિગ્ગજોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાપુએ પોતાનું સમગ્ર જીવન સાદગી સાથે પસાર કર્યું પણ એમની કેટલીક વસ્તુઓ જે ભલે સાધારણ માનવામાં આવે એ આજે પણ કોઈ વિરાસતથી કમ નથી. એમના ગોળ ચશ્મા, ગોળ ઘડિયાળ અને ચંપલ આખરે આજે ક્યા છે એ અંગે વિગતવાર વાત કરીએ. 

લેટરબોક્સમાંથી મળ્યા ચશ્મા
ગાંધીની ચશ્મા આજે એક ઓળખ બની ચૂક્યા છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં એમને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ઓગસ્ટ 2020માં બ્રિટનમાં થયેલી એક હરાજીમાં એક સામાન્ય કવરમાંથી એમના ચશ્મા મળી આવ્યા હતા. આ ચશ્મા કોઈ વ્યક્તિએ લેટરબોક્સમાં મૂકી દીધા હતા. જ્યારે આ ચશ્માની બોલી લગાવવાનું શરૂ થયું એ સમયે એની કિંમતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. 

બ્રિટનમાં થયેલી હરાજીમાં આ ચશ્મા 2.55 કરોડમાં વેચાયા હતા. અમેરિકાના એક ખાનગી ક્લેક્ટરે તેને ખરીદીને પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. વર્ષ 1910થી 1930ના સમયગાળામાં એમના કાકાએ આ ચશ્મા આપ્યા હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. જ્યારે તેઓ સાઉથ આફ્રિકામાં રહી અન્યાની સામે અવાજ ઊઠાવી રહ્યા હતા. ગાંધી પોતાની પાસે એક પોકેટ વૉચ રાખતા હતા. આ કોઈ સામાન્ય ઘડિયાળ ન હતી.આ ઘડિયાળ સ્વિસ બ્રાંજ ઝેનિથની ચાંદીની એલાર્મ વાળી ઘડિયાળ હતી. વર્ષ 1865માં જોર્જેસ ફાવરે જૈકોટ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપની આજે પણ પોતાની એકથી એક બહેતરીન ઘડિયાળ માટે જાણીતી છે. 

મુંબઈથી મળ્યા ચંપલ
દૈનિક ધોરણે ગાંધીજી આ ઘડિયાળનો ઉપયોગ કરતા હતા. વર્ષ 1944માં આ ઘડિયાળ બાપુએ પોતાના અનુયાયી મોહનલાલ શર્માને ભેટમાં આપી દીધી હતી. મોહનલાલે દાયકાઓ સુધી આ વસ્તુને સંભાળીને રાખી હતી. આ એક ઐતિહાસિક ઘડિયાળ હતી. સમય પસાર થતો ગયો એમ બાપુની આ વસ્તુની કિંમત કરોડો સુધી પહોંચી ગઈ. વર્ષ 2010માં આ વસ્તુની નિલામી કરવામાં આવી હતી. આ સ્વિસ પોકેટ વૉચ 12.7 લાખ રૂપિયામાં નિલામ થઈ. બાપુની સાદગી એના જીવનની સાથે ચંપલમાં પણ જોવા મળી હતી. 

મીડિયા રિપોર્ટ અનુસાર બાપુના ચંપલ મુંબઈના જાણીતા બીચ જુહુ નજીક એક ઐતિહાસિક મકાનમાંથી મળી આવ્યા હતા. ઈતિહાસના જાણકારો જણાવે છે કે, વર્ષ 1917થી 1934 દરમિયાન ગાંધી જ્યારે મુંબઈના પ્રવાસે આવ્યા એ સમયે જ્યાં રોકાયા હતા એ ઘર આજે પણ છે. અહીંયાથી જ એમના ચંપલ મળી આવ્યા હતા. બાપુના ચંપલની અંતિમ બોલી 19000 પાઉન્ડ નક્કી થઈ હતી. જે ભારતીય કરન્સી અનુસાર 19 લાખ રૂપિયા થાય છે.