નવી દિલ્હી: જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસે ભારતીય રેલવેના ઇતિહાસમાં આજે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને પ્રથમ વખત વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ ચિનાબ બ્રિજને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કર્યો હતો. આ જ સ્પીડ ટેસ્ટ દરમિયાન વંદે ભારતે ભારતના પ્રથમ કેબલ-સ્ટેઇડ રેલવે બ્રિજ એવા અંજી બ્રિજને પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કર્યો હતો. આટલી ઊંચાઈ પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવામાં આવી છે.
આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરવામાં આવી છે, જયારે રેલવેએ કટરા-બનિહાલ રેલ સેક્શન પર ટ્રેનોની વધારે મંજુર ઝડપ વધારીને 100 કિમી પ્રતિ કલાક આપી છે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસના 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ દોડવા સાથે આ પહાડી રૂટ પર ટ્રેનોની ઝડપ વધારવાનો માર્ગ મોકળો થયો છે.
રેલવેએ કટરા-બનિહાલના 111 કિમી લાંબા રેલવે સેક્શન પર મહત્તમ મંજૂર ઝડપ 100 કિમી પ્રતિ કલાક કરી છે. અગાઉ આ માર્ગના અલગ-અલગ હિસ્સામાં મહત્તમ મંજૂર ઝડપ 75 અને 85 કિમી પ્રતિ કલાક હતી. 2 ઑક્ટોબરથી સમગ્ર સેક્શન પર 100 કિમી પ્રતિ કલાકની નવી સ્પીડ લિમિટ લાગુ કરવામાં આવી અને ત્યાર બાદ વંદે ભારતનું સ્પીડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
વંદે ભારત જે ચિનાબ બ્રિજ પરથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ તે સામાન્ય રેલવે બ્રિજ નથી. ચિનાબ બ્રિજ ચિનાબ નદીની સપાટીથી 359 મીટર (1,178 ફૂટ) ઊંચો છે અને તેની લંબાઈ આશરે 1,315 મીટર છે. તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ માનવામાં આવે છે. પર્વતીય પ્રદેશ અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજને આશરે 120 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે 260 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપના પવનને સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
સ્પીડ ટેસ્ટ દરમિયાન વંદે ભારતે અંજી બ્રિજ પર પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ નોંધાવી હતી. અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ છે અને કટરા-બનિહાલ રેલ સેક્શનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ બ્રિજ અંજી નદીની ખીણથી આશરે 331 મીટર (1,086 ફૂટ) ઊંચો છે અને તેની લંબાઈ લગભગ 725 મીટર છે. તેને 96 હાઈ-ટેન્સાઈલ કેબલનો સહારો આપવામાં આવ્યો છે.
ચિનાબ અને અંજી જેવા વિશાળ પુલો પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વંદે ભારતનું સફળ પરીક્ષણ જમ્મુ-કાશ્મીરના આ પડકારજનક પર્વતીય રેલવે રૂટ પર ટ્રેનની ઝડપ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. નવી સ્પીડ લિમિટથી કટરા-બનિહાલ સેક્શન પર ટ્રેનનું સંચાલન અગાઉની તુલનામાં ઝડપી બની શકે છે અને મુસાફરીના સમયમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.
જમ્મુ-શ્રીનગર વંદે ભારત સેવા શરૂઆતમાં 8 કોચ સાથે શરૂ થઈ હતી, પરંતુ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2026માં તેને વધારીને 20 કોચ કરવામાં આવી હતી. હાલમાં આ કોરિડોર પર બે જોડી વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. આ સેવા ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક (USBRL) મારફતે જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત કરે છે.