અમદાવાદ / નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાને દરિયાઈ સીમાઓ પર સબમરીન શોધી કાઢવા અને દરિયાકાંઠાની કડક દેખરેખ રાખવા માટે વધુ એક શક્તિશાળી યુદ્ધ જહાજ પ્રાપ્ત થયું છે. કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા નિર્મિત ‘એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ’ શ્રેણીનું ‘માંગરોળ’ (Mangrol) યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સત્તાવાર રીતે સોંપી દેવામાં આવ્યું છે. આ શ્રેણીનું આ ત્રીજું યુદ્ધ જહાજ છે, જેમાં 80 ટકાથી વધુ સ્વેદશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આધુનિક સોનાર અને ટોર્પિડોથી સજ્જ છે ‘માંગરોળ’
'માંગરોળ' યુદ્ધ જહાજ ખાસ કરીને સમુદ્રની અંદર દુશ્મન સબમરીન પર નજર રાખવા અને તેના પર તાત્કાલિક વળતો પ્રહાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ છીછરા પાણી (તટીય વિસ્તારો) માં ઝડપથી અને સરળતાથી ચાલી શકે તે માટે ખાસ વોટરજેટ ટેક્નોલોજી પર કાર્ય કરે છે. આ સાથે તેમાં અત્યાધુનિક રડાર અને સબમરીન શોધવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી 'સોનાર' (Sonar) સિસ્ટમ લગાવાયેલી છે.
PREDATORS OF THE LITTORALS
— SpokespersonNavy (@indiannavy) August 22, 2026
Mangrol, the third Anti Submarine Warfare Shallow Water Craft #ASWSWC, indigenously designed & constructed by @cslcochin was delivered to the #IndianNavy on 21 Aug 26.
Equipped with state-of-the-art sonars & radars, advanced torpedoes, ASW rockets, and… pic.twitter.com/bsqf3059mL
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દુશ્મનને નેસ્તનાબૂદ કરવા માટે તેમાં આધુનિક ટોર્પિડો અને રોકેટ લોન્ચર્સ પણ સામેલ છે. આ ઉપરાંત દરિયાઈ બારુદી સુરંગો (Mine Warfare) નિષ્ક્રિય કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તે વોટરજેટ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે. આનાથી દરિયાકાંઠાના અને છીછરા પાણીના વિસ્તારોમાં જહાજ વધુ અસરકારક રીતે ચલાવવામાં સક્ષમ બને છે.
ગુજરાતના ઐતિહાસિક બંદર 'માંગરોળ' નું નામ આપવામાં આવ્યું
ગુજરાત માટે ગર્વની વાત એ છે કે, આ યુદ્ધ જહાજને આપણાં એક બંદરનું નામ આપવામાં આવ્યું છે. આ નવસર્જિત યુદ્ધ જહાજનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દરિયાકાંઠાના શહેર અને બંદર ‘માંગરોળ’ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ 'INS માંગરોળ' નામનું માઇનસ્વીપર પોત ભારતીય નૌસેનામાં કાર્યરત હતું, જેણે વર્ષ 2004 સુધી દેશની સેવા કરી હતી. નવા યુદ્ધ જહાજનું નામ 'માંગરોળ' રાખીને નૌસેનાએ તેના જૂના વારસાને પણ સન્માનિત કર્યો છે.
'આત્મનિર્ભર ભારત' દિશામાં મહત્વનું કદમ સાબિત થશે
સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ આ યુદ્ધપોતનું નિર્માણ દેશમાં જ રક્ષણાત્મક સાધનો બનાવવાની વધતી ક્ષમતા દર્શાવે છે. 80 ટકાથી વધુ ભારતીય સામગ્રીથી બનેલું આ યુદ્ધપોત દેશની દરિયાઈ સીમાઓ, ખાસ કરીને ઓછી ઊંડાઈ ધરાવતા કિનારાઓની સુરક્ષા માટે નૌસેના માટે ખૂબ મહત્વનું સાબિત થશે. તેમાં પણ ગુજરાતના એક બંદરના નામ પરથી તેનું નામકરવામાં આવ્યું હોવાથી આપણાં માટે વધારે ગર્વની વાત છે.