Sun Sep 27 2026

Logo

નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનના નામે લાખોની ઠગાઈ આચરનાર પીટી શિક્ષક અંજારથી ઝડપાયો

2026-08-23 12:01:00
Author: Mumbai Samachar Team
નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનના નામે લાખોની ઠગાઈ આચરનાર પીટી શિક્ષક અંજારથી ઝડપાયો

ભુજ: સરકારી નોકરી અને ક્રિકેટમાં સિલેક્શન કરાવવાની ગુલાબી લાલચ આપી રાજ્યભરના વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનારા માજી પીટી શિક્ષક પ્રજ્ઞેશ હનુભા બારહટની એલિસબ્રિજ પોલીસે અંજાર ખાતેથી ધરપકડ કરી છે.

ગુજરાત કોલેજમાં પીટી શિક્ષક રહી ચૂકેલા આરોપી પ્રજ્ઞેશ બારહટે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને કચ્છના નખત્રાણા સહિતના વિસ્તારોમાં છેતરપિંડીનું નેટવર્ક ફેલાવ્યું હતું. તે ન્યૂઝ પેપરમાં નોકરીની જાહેરાતો આપીને શિકાર શોધતો હતો. તેણે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી એરફોર્સમાં નોકરીના બહાને રૂ.૪.૫૯ લાખ તથા નખત્રાણામાં ૧૫ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ક્રિકેટ રમવાના નામે રૂ.૪.૪૩ લાખ પડાવ્યા હતા.

નોકરી છોડ્યા બાદ આરોપીએ ઓળખ છુપાવવા ૧૦થી વધુ મોબાઈલ નંબરો બદલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીને ઓનલાઈન ગેમિંગ અને જુગારની લત લાગી જતાં તેણે નાણાંની જરૂરિયાત પૂરી કરવા આ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અંજાર કોર્ટમાં તેની સામે ચેક બાઉન્સનો કેસ પણ પેન્ડિંગ છે. એલિસબ્રિજ પોલીસે તેની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય