ટોક્યો: જાપાનના દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં રિક્ટર સ્કેલ પર 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ આંચકા એટલા તીવ્ર હતા કે રાજધાની ટોક્યો સહિત આસપાસના મોટાભાગના વિસ્તારો ધ્રુજી ઊઠ્યા હતા. રાહતની વાત એ છે કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
70 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું સેન્ટર નોંધાયું
જાપાન મેટીરોલોજીકલ એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 70 કિલોમીટર નીચે નોંધાયું છે. ભૂકંપના આંચકા ઇબારાકી, ચિબા અને સાઇતામા પ્રદેશોમાં સ્પષ્ટપણે અનુભવાયા હતા. USGS મુજબ શરૂઆતમાં તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. આંચકા આવતાની સાથે જ લોકોના મોબાઈલ ફોનમાં ઇમરજન્સી એલર્ટ સાયરન વાગવા લાગ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, ઇબારાકી, સાઇતામા અને ચિબામાં ઓછામાં ઓછા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે.
ટ્રેન વ્યવહાર અને વીજળી પર અસર
ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી વધુ નુકસાન અને અન્ય ઘાયલોની માહિતી એકઠી કરી રહી છે. ભૂકંપના કારણે વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. ટોક્યો અને નારીતા એરપોર્ટ વચ્ચે ચાલતી એક્સપ્રેસ ટ્રેનો તથા અન્ય લોકલ રેલ સેવાઓ વિલંબથી ચાલી રહી છે. જોકે, હાઈ-સ્પીડ શિંકનસેન બુલેટ ટ્રેનોનું સંચાલન સામાન્ય રીતે શરૂ રહ્યું હતું. આ ઉપરાંત, ટોક્યોના કોટો વિસ્તારમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇન ફાટતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. ટેપ્કો પાવર ગ્રીડના જણાવ્યા અનુસાર, ટોક્યોમાં આશરે 460 ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને પાછળથી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે.
આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે સરકારે નુકસાનનો અંદાજ લગાવવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા ખાસ ટાસ્ક ફોર્સ બનાવી છે. પરમાણુ નિયમન વિનિમય કમિશને સ્પષ્ટ કર્યું છે કે વિસ્તારના એક ડઝનથી વધુ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સુરક્ષિત છે અને ત્યાં કોઈ ગરબડ નોંધાઈ નથી.