નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય સંબંધોમાં વધુ એક વખત કૂટનીતિક તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી દરેક નાની મોટી હરકતોનો જવાબ હવે ભારત Tit for Tat ના ધોરણે આપી રહ્યું છે. તાજેતરમાં ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ બહારથી પાકિસ્તાન સરકારે સુરક્ષા કવચ અને પોલ હટાવી લીધા હતા, જેના તુરંત બાદ ભારતે પણ નવી દિલ્હીમાં કડક વળતો જવાબ આપ્યો છે.
કૂટનીતિમાં દબાણ બનાવવાની જૂની શૈલી
નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશનના વિઝા સેક્શન બહાર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો અને બેરિકેડ્સ પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. સરકારી નિયમો મુજબ, હાઈકમિશનની નક્કી કરેલી સીમારેખાની બહાર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો અને સિક્યુરિટી ગેટ્સને તંત્રએ હટાવી દીધા છે.
#WATCH | Delhi | Indian authorities dismantle the external security perimeter outside the Pakistan High Commission, removing traffic bollards and barricades that previously ring-fenced the diplomatic compound. pic.twitter.com/bVK5ul72Ov
— ANI (@ANI) August 19, 2026
આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિમાં એકબીજા પર પ્રેશર બનાવવાનો આ રસ્તો નવો નથી. ભૂતકાળમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે ત્યારે આવા પગલાં લેવાતા રહ્યા છે. જેમ કે, દૂતાવાસમાં ડિપ્લોમેટ્સ અને અન્ય સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરવો, વિઝા પ્રોસેસિંગ માટે આવતા લોકો કે અધિકારીઓના વાહનો માટે પાર્કિંગ સુવિધાઓ સીમિત કરવી અને દૂતાવાસની બહાર અચાનક સિક્યુરિટી ચેકિંગ વધારી દેવું કે ટ્રાફિક બેરિકેડિંગ બદલી નાખવું. આ વખતે ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે.
ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સરહદ હોય કે કૂટનીતિક, પાકિસ્તાનની કોઈપણ અણછાજતી હરકતને સાંખી લેવામાં નહીં આવે! આ કાર્યવાહી દ્વારા પાકિસ્તાન સરકારને સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે કે દરેક પગલાનો સરખો જ ઉત્તર આપવામાં આવશે. પાકિસ્તાન દ્વારા જે પ્રકારે હરકતો કરવામાં આવી રહી છે, તેને જોતા ભારત દ્વારા પણ ધારદાર જવાબ આપવામાં આવી રહ્યો છે.