નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારમાં મંત્રી તરીકે રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ એમને પકડી લીધા છે. વોટર બોર્ડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર કૌભાંડમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ACBએ પૂર્વ જળમંત્રી તથા આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર કુમાર જૈનની ધરપકડ કરી છે. માત્ર પૂર્વ મંત્રી જ નહીં પણ સિનિયર IAS ઓફિસર ઉદિત પ્રકાશ રાય સહિત કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
કોણ કોણ હતું સામેલ?
અંકિત શ્રીવાસ્તવ (ભૂતપૂર્વ કરાર આધારિત સલાહકાર, ડીજેબી), નાગેન્દ્ર યાદવ (માલિક, એએન એન્ટરપ્રાઇઝ), રાજા કુમાર કુર્રા (માલિક, યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ), અને પંકજ વર્મા (માલિક, શ્રીજનહર)ને આ કેસમાં પકડી લેવામાં આવ્યા છે.
આ સમગ્ર કેસ 11 મે 2024નો છે. જેમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી એક તપાસમાં આ તમામ વ્યક્તિના નામ ખુલ્યા હતા. આ તમામ લોકો સામે ચોક્કસ પ્રકારનું કાવતરૂ ઘડવાના પણ આરોપ છે, તેથી કાવતરા સંબંધિત કલમ પણ ઉમેરવામાં આવી છે.
તપાસ એજન્સીના રિપોર્ટ અનુસાર મામલો સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલો છે. જેના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવા માટે ટેન્ડર જરૂરી હતું. હવે આરોપ એવો છે કે, ટેન્ડર સાથે જોડાયેલી કેટલીક શરતમાં ફેરફાર કરવામાં આવ્યો આનાથી એક ખાનગી કંપનીને સીધો ફાયદો થઈ શકે. કોઈ પણ પ્રકારનો અભ્યાસ અંગે રિપોર્ટ આપ્યા વગર એવી શરત મૂકવામાં આવી કે, બીજી કંપનીઓની સ્પર્ધા જ ખતમ થઈ જાય. આનાથી સરકારી તિજોરીને આર્થિક નુકસાન થયું .
પુરાવાઓ મળી આવ્યા
તપાસ દરમિયાન કેટલાક ઈલેક્ટ્રોનિંકસ પુરાવાઓ મળી આવ્યા. ખાનગી વ્યક્તિઓ, મધ્યસ્થીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે થયેલા સંદેશાવ્યવહાર અને ઇમેઇલ્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ટેન્ડર દસ્તાવેજો અને શુદ્ધિકરણ પહેલાથી જ તેમની વચ્ચે શેર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ આ દસ્તાવેજોને સત્તાવાર ટેન્ડરમાં સામેલ કરવામાં આવ્યા હતા, જે અધિકારીઓ અને કંપનીઓ વચ્ચેની મિલીભગતનો સીધો સંકેત આપે છે. ACBનો આરોપ છે કે આશરે ₹1.52 કરોડ તત્કાલીન CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સંબંધીઓના બેંક ખાતામાં 'AN એન્ટરપ્રાઇઝ' દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ નાણાં યુરોટેક સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો ઉપયોગ મિલકત ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ACBના જણાવ્યા અનુસાર, આ લાંચની રકમના મની ટ્રેલ હાલમાં તપાસ હેઠળ છે.