૬ લાખ ઓટો-ટેક્સી ચાલકોને મરાઠી શીખવવાનું અભિયાન શરૂ, અત્યાર સુધીમાં ૧.૬૫ લાખથી વધુ ચાલકોએ કરાવી નોંધણી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિયમનો અમલ કરતા પહેલા સરકાર તેમને ભાષા શીખવાની તક આપશે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, જે ચાલકોને મરાઠી નથી આવડતી તેમના પરમિટ કે લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં નહીં આવે. સરનાઈકે જણાવ્યું કે આ નિર્ણયનો ઉદ્દેશ કોઈની રોજીરોટી છીનવી લેવાનો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સેવા આપતા લોકોને રાજ્યની ભાષાનું વ્યવહારું જ્ઞાન હોય તે સુનિશ્ચિત કરવાનો છે.
મહારાષ્ટ્રમાં લગભગ 9.16 લાખ ઓટો-રિક્ષા અને 61,657 ટેક્સી છે, તેમાંથી મોટાભાગની મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ચાલે છે. રાજ્યમાં કુલ મળીને લગભગ 6 લાખ ઓટો અને ટેક્સી ચાલકોને આ મરાઠી શીખવાના અભિયાન હેઠળ લાવવામાં આવશે. જે લોકોને મરાઠી નથી આવડતી તેમને મરાઠી શીખવવાના પ્રયાસો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે," એમ સરનાઈકે જણાવ્યું હતું.
રાજ્ય સરકારે થોડા મહિના પહેલા શરૂ કરેલા મરાઠી શીખવાના અભિયાનમાં અત્યાર સુધીમાં 1,65,601 ચાલકોએ ભાગ લીધો છે. આ માહિતી સરનાઈકે આપી હતી. તેમણે કહ્યું કે આ અભિયાનને આગળ વધારવા માટે મરાઠી ભાષા વિભાગ પરિવહન વિભાગ અને અન્ય અધિકારીઓ સાથે મળીને કામ કરશે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે સ્થાનિક સંગઠનો સાથે મળીને 105 દિવસના અભિયાન હેઠળ લગભગ 1.25 લાખ ઓટો-ટેક્સી ચાલકોએ મરાઠીની વ્યવહારુ પ્રાવીણ્ય તાલીમ પૂર્ણ કરી છે. સરનાઈકે કહ્યું હતું કે, "અમે કોઈના પરમિટ, લાયસન્સ કે બેજને સસ્પેન્ડ નહીં કરીએ. સૌથી પહેલા તેમને નોટિસ આપવામાં આવશે અને મરાઠી શીખવાની તક આપવામાં આવશે.
નિર્ધારિત સમયમાં જો તેઓ મરાઠી નહીં શીખે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે." આ પ્રક્રિયામાં પહેલા 30 દિવસની નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ પણ જો ચાલક તેનું પાલન નહિ કરે તો નિયમો મુજબ લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે 1989ના નિયમો મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ માટે વ્યવહારુ મરાઠીનું જ્ઞાન જરૂરી છે. એક સર્વેમાં બિન-મરાઠી ચાલકો સાથે વાતચીતમાં મુશ્કેલી હોવાનું સામે આવ્યા બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મરાઠી ભાષા પ્રધાન ઉદય સામંતે કહ્યું કે અભિયાનના આગામી તબક્કામાં ચાલકોને વ્યવહારુ મરાઠીથી સાહિત્યિક મરાઠી સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.
સરનાઈકે કહ્યું હતું કે, "મરાઠી એ માત્ર ભાષાનો મુદ્દો નથી, તે સંસ્કૃતિ અને મહારાષ્ટ્રની ઓળખ સાથે પણ જોડાયેલો છે. જે લોકો મહારાષ્ટ્રમાં રહે છે અને વ્યવસાય કરે છે તેમણે મરાઠી બોલવાનો પ્રયાસ કરવો જોઈએ." તેમણે મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં ભાષાનું આદાન-પ્રદાન સામાન્ય છે.
સરહદી વિસ્તારોમાં મરાઠી બોલનારા લોકો કન્નડ અને ગુજરાતી શીખે છે, જ્યારે પડોશી રાજ્યોના લોકો પણ મરાઠી શીખે છે. સરકાર હવે અધિકારીઓ સાથે વિગતવાર પ્રક્રિયા પર ચર્ચા કરીને લાંબા ગાળાની તાલીમ સહિતનો કાર્યક્રમ ઘડશે.