Thu Aug 27 2026

Logo

પ્રાસંગિકઃ પાકિસ્તાન: સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે વિભાજનની આશંકાનું ગંભીર સંકટ

2026-08-19 08:38:00
Author: Amul Dave
પ્રાસંગિકઃ પાકિસ્તાન: સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે વિભાજનની આશંકાનું ગંભીર સંકટ

 

અમૂલ દવે

પાકિસ્તાને હાલમાં તેના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. દેશભરમાં લીલા અને સફેદ રંગના રાષ્ટ્રીય ઝંડા ફરકાવીને, લશ્કરી પરેડ અને દેશભક્તિના ભાષણો સાથે જશ્ન-એ-આઝાદી મનાવવામાં આવ્યો. સરકારી સ્તરે ભવ્ય કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ચમકદાર ઉજવણીની પાછળ દેશની અંદર ઊંડા અને ગંભીર સંકટો છુપાયેલા છે. 

બલૂચિસ્તાનમાં સશસ્ત્ર વિદ્રોહ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં વ્યાપક જનવિરોધ અને પાયાની આર્થિક તંગીના કારણે પાકિસ્તાન ફરી એકવાર વિભાજનની આશંકાઓ અને ગંભીર આંતરિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.

બલૂચિસ્તાન એ પાકિસ્તાનનો ભૌગોલિક રીતે સૌથી મોટો પ્રાંત છે, જે કુદરતી ગેસ અને ખનિજ સંપત્તિથી અત્યંત સમૃદ્ધ છે, પરંતુ તેનો ઇતિહાસ હંમેશાં વિવાદિત રહ્યો છે. 1947માં બ્રિટિશ રાજના અંત સાથે, 12 ઓગસ્ટ 1947થી 27 માર્ચ 1948 સુધી ‘ખાનતે કલાત’ નામનું અર્ધ-સ્વતંત્ર રાજ્ય ટૂંકા સમય માટે સ્વતંત્ર રહ્યું હતું. 

ત્યારબાદ તત્કાલીન શાસક ખાન અહમદ યાર ખાને પાકિસ્તાન સાથે જોડાણના કરાર પર હસ્તાક્ષર કર્યા. બલૂચ નેતાઓ અને અનેક ઇતિહાસકારોનું માનવું છે કે આ જોડાણ લશ્કરી દબાણ હેઠળ કરાવવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાની સરકાર તેને પૂર્ણપણે કાયદેસર ગણાવે છે. આ ઐતિહાસિક અસંતોષને કારણે ત્યારથી જ બલૂચિસ્તાનમાં અલગતાવાદી આંદોલન સતત ચાલી રહ્યું છે.

વર્તમાન સમયમાં બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) આ વિદ્રોહનું મુખ્ય નેતૃત્વ કરી રહી છે. આ સંગઠનને અમેરિકા સહિત અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથ તરીકે જાહેર કરેલું છે. તેના સક્રિય સભ્યોની સંખ્યા લાખોમાં નહીં, પરંતુ હજારોમાં અંદાજવામાં આવે છે. 2026માં બલૂચિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. જુલાઈ મહિના દરમિયાન બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વધુ હિંસક પ્રાંત બની ગયો હતો. 

બીએલએ દ્વારા પાકિસ્તાની સેના, સ્થાનિક પોલીસ અને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) હેઠળ ચાલી રહેલા ચીની પ્રોજેક્ટ્સ પર વારંવાર લક્ષ્યાંકિત હુમલા કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2026માં પણ અનેક મોટા હુમલાઓ થયા, જેમાં પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. વળતી કાર્યવાહીમાં સેનાએ પણ અનેક વિદ્રોહીઓને મારી નાખ્યા છે. 

સ્થાનિક લોકો પોતાના મૂળભૂત અધિકારો, સ્થાનિક સંસાધનો પર પોતાના નિયંત્રણ અને વધુ સ્વાયત્તતાની માંગ કરી રહ્યા છે. આ નિરંતર ચાલતો વિદ્રોહ દેશ માટે મોટો પડકાર બની ગયો છે અને રાજકીય વિશ્ર્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જશે તો 1971 જેવી વિભાજનની સ્થિતિ સર્જાઈ શકે છે.

બીજી તરફ, પાકિસ્તાનના અમાનવીય કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં પણ જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 2026માં હજારો લોકો પોતાની પાયાની સુવિધાઓ માટે શેરીઓ પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વીજળીના અસહ્ય બિલ, ખોરાકની અછત, શિક્ષણ અને રોજગારીના અભાવ સામે લોકોમાં ભારે અસંતોષ છે. અનેક આંદોલનકારીઓ પાકિસ્તાની સેનાને વિસ્તાર છોડી જવાની ખુલ્લેઆમ માગ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે પીઓકે પાકિસ્તાનનો અધિકૃત ભાગ નથી. આ શાંતિપૂર્ણ આંદોલનકારીઓને સરકારે ઉપદ્રવી ગણાવી દમનકારી કાર્યવાહી કરી છે, જેનાથી તણાવ વધુ ઉગ્ર બન્યો છે.

આ ઘટનાક્રમ વચ્ચે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જણાવ્યું હતું કે Pok એ ભારતનો અભિન્ન ભાગ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો 2019માં આર્ટિકલ 370 હટાવાયો ન હોત, તો Pok ના લોકો જમ્મુ-કાશ્મીર સાથે ફરી જોડાવા માટે સ્વયં આંદોલન કરી રહ્યા હોત. તેમણે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પીઓકેના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવેલી બેઠકોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે સીમા પાર રહેતા લોકો આપણા પોતાના જ છે.

આ તમામ આંતરિક અને ભૌગોલિક રાજકીય તણાવ ઉપરાંત પાકિસ્તાન હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનું જાહેર દેવું પહાડ જેવડું થઈ ગયું છે અને દેવાના વ્યાજની ચુકવણીમાં જ મોટાભાગનું બજેટ વપરાઈ જતાં વિકાસ કાર્યો અટકી પડ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ)ના બેલઆઉટ પેકેજથી થોડી ક્ષણિક સ્થિરતા મળી છે, પરંતુ નાણાકીય સ્થિતિ અત્યંત નાજુક છે. કમરતોડ મોંઘવારી, બેરોજગારી અને અસહ્ય વીજળીના બિલોએ સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. નાણાકીય સંકટને કારણે કેન્દ્ર સરકાર પ્રાંતોને પૂરતા સંસાધનો આપી શકતી નથી, જેનાથી પ્રાંતિય અસંતોષ વધુ તીવ્ર બની રહ્યો છે.

આ બધા વચ્ચે પાકિસ્તાનની સ્વતંત્રતા દિવસની ઉજવણી ભલે રાષ્ટ્રીય એકતાનો આડંબર કરતી હોય, પરંતુ બલૂચિસ્તાન અને પીઓકે જેવા વિસ્તારોમાં સળગતો અસંતોષ તેની ભૌગોલિક અખંડિતતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. પાકિસ્તાન અગાઉ પણ વિભાજનની દર્દનાક પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યું છે, જ્યારે 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું હતું. હવે પશ્ચિમમાં બલૂચિસ્તાન અને ઉત્તરમાં પીઓકે વધી રહેલો વિદ્રોહ ફરી એ જ ઈતિહાસ પુનરાવર્તિત થવાના સંકેત આપી રહ્યો છે. 

જો પાકિસ્તાન સરકાર વહેલી તકે આર્થિક સુધારા, પ્રાંતિય સ્વાયત્તતા અને સ્થાનિક લોકો સાથે સાર્થક સંવાદ નહીં સાધે તો ભવિષ્યમાં દેશના વધુ ટુકડા થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. સ્વતંત્રતાની ખરી ઉજવણી ત્યારે જ શક્ય બનશે જ્યારે તમામ પ્રદેશોના લોકોને સમાન અધિકાર અને વિકાસ મળશે. હાલમાં પાકિસ્તાન જે અસ્થિર માર્ગ પર છે, તે સમગ્ર દક્ષિણ એશિયાની પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ચિંતાનો વિષય છે.