અમદાવાદ: રેલવેએ તાજેતરમાં જ ગુજરાતથી હરિદ્વાર, અયોધ્યા, તિરૂપતિ બાલાજી બાદ પ્રયાગરાજ જવા માટે પણ ટ્રેન સેવાની જાહેરાત કરી હતી. ત્યારે અમદાવાદના ગાંધીગ્રામથી પ્રયાગરાજ સુધી ચાલતી રેલ સેવાનો ગુજરાતના લોકોને થોડો વધુ સમય સુધી લાભ મળી રહેવાનો છે. કારણ કે મુસાફરોની સગવડતા અને કનેક્ટિવિટી વધારવા માટે રેલવે દ્વારા પ્રયાગરાજ-ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન (નંબર 04111/04112) ની સેવાઓને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલવેની જાહેરાત મુજબ ટ્રેન નંબર 04111 પ્રયાગરાજથી ગાંધીગ્રામ ટ્રેન 29 સપ્ટેમ્બર 2026 સુધી અને 04112 ગાંધીગ્રામથી પ્રયાગરાજ ટ્રેન 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે આ ટ્રેનો માટેનું બુકિંગ 19 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 08:00 વાગ્યાથી IRCTC પર શરૂ થઈ ગયું છે જેથી મુસાફરો આગોતરી ટિકિટ બુક કરી શકે.
આ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામથી ઉપડીને ચાંદખેડા રોડ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બંધ, ફાલના, મારવાડ જંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર જંક્શન, બાંદીકુઈ જંક્શન, ભરતપુર જંક્શન, ઇદગાહ આગ્રા જંક્શન, તુંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી, ફતેહપુર થઈને પ્રયાગરાજ પહોંચે છે.
આ ઉપરાંત તાજેતરમાં જ રેલવેએ ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા વેરાવળથી છેક પ્રયાગરાજ સુધીની ટ્રેન (Veraval to Prayagraj train) સેવાની જાહેરાત કરી છે. પ્રવાસીઓની સુવિધા વધારવા અને વધારાની મુસાફરી માંગને પહોંચી વળવા માટે રેલવેએ વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ટોડ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 04174 વેરાવળ-પ્રયાગરાજ 7 ઓગષ્ટ 2026 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી દર શુક્રવારે રાત્રે 10 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 05:50 કલાકે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ-વેરાવળ 6 ઓગષ્ટ 2026 થી 24 સપ્ટેમ્બર 2026 સુધી દર ગુરુવારે સવારે 10:10 કલાકે ઉપડશે અને શુક્રવારે સાંજે 18:15 કલાકે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર જંક્શન, થાન જંક્શન, સુરેન્દ્રનગર, વિરમગામ જંક્શન, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન પર સ્ટોપેજ આપવામાં આવ્યો છે. તે સિવાય ગુજરાત બહાર આબુ રોડ, સુમેરપુર જવાઈ બંધ, ફાલના, મારવાડ જંક્શન, બેઆવર, અજમેર જંક્શન, કિશનગઢ, જયપુર જંક્શન, બાંદીકુઈ જંક્શન, ભરતપુર જંક્શન, ઇદગાહ આગ્રા જંક્શન, તુંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ જંક્શન ખાતે થોભશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ ટ્રેન નંબર 04174 માટેનું બુકિંગ 30 જુલાઇ 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.