સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સુરતમાં પ્રેમી મળવા ન આ આવતાં લિવ ઈનમાં રહેતી યુવતીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. પતિથી અલગ થયા બાદ યુવતી નોકરી કરતી હતી, તે વખતે યુવક સાથે પરિચયમાં આવતાં બંને વચ્ચે સંબંધની શરૂઆત થઈ હતી.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના ઘરમાં ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પાંચ વર્ષના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવતી પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે કાપોદ્રાની ગાયત્રીનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. યુવતીના ખટરાગ ચાલતો હોવાથી તેનો પતિ છેલ્લા પાંચ વર્ષથી તેનાથી અલગ પોતાના વતનમાં રહેતો હતો. આ દરમિયાન યુવતી આઠ મહિનાથી એક અન્ય યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.
બે દિવસ પહેલા યુવતીએ તેના લિવ-ઇન પાર્ટનરને ઘરે મળવા આવવા માટે કહ્યું હતું. જોકે, પ્રેમીએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી હાલમાં મળવા નહીં આવી શકે તેમ કહી થોડા સમય પછી આવવાનું જણાવ્યું હતું. આ બાબતે યુવતીને લાગી આવ્યું હતું અને ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હૉસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતકના પ્રેમી તથા પરિવારજનોની પૂછપરછ હાથ ધરીને આપઘાત પાછળ અન્ય કોઈ કારણ કે તકરાર હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી.