Sat Aug 29 2026

Logo

મોંઘી થઈ રહેલી ખાંડ અંગે રૂપાલાનું નિવેદન: ભાવ વધારા માટે સ્થાનિક નીતિ નહીં પણ......

2026-08-23 21:21:00
Author: Devayat Khatana
મોંઘી થઈ રહેલી ખાંડ અંગે રૂપાલાનું નિવેદન: ભાવ વધારા માટે સ્થાનિક નીતિ નહીં પણ......

રાજકોટ: રક્ષાબંધન, જન્માષ્ટમી અને તહેવારોના મહિના શ્રાવણ માસ જેવા મહત્વના તહેવારો પહેલા ખાંડની કિંમતોમાં થયેલા વધારાએ મધ્યમવર્ગના બજેટને ખોરવી નાખ્યું છે. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોના મતે, છેલ્લા આઠેક દિવસમાં ખાંડના ભાવમાં ભારે વધારો થયો છે. દેશભરના છૂટક બજારોમાં ની કિંમત પ્રતિ કિલોગ્રામ 65 થી 70 રૂપિયાની વચ્ચે પહોંચી ગઈ છે. વિરોધ પક્ષોએ વધેલા ભાવ માટે ભાજપ સરકારની ઇથેનોલ (E20) નીતિ અને શેરડીના ડાયવર્ઝનને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે સરકારે પૂરતા સ્ટોક અને હવામાન પરિબળોને મુખ્ય કારણો ગણાવ્યા છે.

હવે આ અંગે રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ખાંડના ભાવોના પ્રશ્નને પાક (crop) અને ઉત્પાદન ખર્ચ (cost) સાથે સાંકળવો જોઈએ નહીં. તેમના જણાવ્યા અનુસાર, ખાંડના ભાવમાં થઈ રહેલો આ વધારો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે થઈ રહ્યો છે. વધુમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે સરકાર આ ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે અને આ દિશામાં સરકારે જરૂરી કાર્યવાહી પણ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે કેન્દ્ર સરકારે કાળા બજારીઓ સામે લાલ આંખ કરી છે. સરકારના આ પગલાંના લીધે ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકારે બજારમાં ખાંડના પુરવઠાને જાળવી રાખવા માટે બ્રાઝિલથી ખાંડ આયાત કરવાનો નિર્ણય લીધો છે. 

આ દરમિયાન નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝે 2025-26 ખાંડ સીઝન માટે દેશના ચોખ્ખા ખાંડ ઉત્પાદનનો અંદાજ 279 લાખ ટન જાળવી રાખ્યો છે. ખાંડ સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ અંદાજમાં ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરાયેલી આશરે 24 લાખ ટન ખાંડનો સમાવેશ થતો નથી. ફેડરેશન અનુસાર, 1 ઓક્ટોબરથી શરૂ થતી 2026-27 સીઝનની શરૂઆતમાં લગભગ 35 લાખ ટન ખાંડનો સ્ટોક ઉપલબ્ધ થવાની સંભાવના છે.