Tue Oct 06 2026

Logo

નેપાળ પૂરની ભયાનકતા: બચેલા લોકોએ વર્ણવી આપદાની આપવીતી, વિનાશક પૂરનો નવો વીડિયો વાયરલ

Kathmandu   2026-08-28 21:41:00
Author: Mumbai Samachar Team
નેપાળ પૂરની ભયાનકતા: બચેલા લોકોએ વર્ણવી આપદાની આપવીતી, વિનાશક પૂરનો નવો વીડિયો વાયરલ

ભોટેકોશી નદીના પૂર અને ભૂસ્ખલનથી તિમુરે બજાર ખંડેરમાં ફેરવાયું; જીવ બચાવી ભાગેલા લોકોએ કહ્યું- 'નવજીવન મળ્યું'

કાઠમંડુઃ નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા તિમુરે બજાર સહિતના વિસ્તારો ઘડીના છઠ્ઠા ભાગમાં ખંડેરમાં ફેરવાઈ ગયા હતા. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક ઘરો વહી ગયા છે. બચેલા લોકોએ નવજીવન મળ્યું હોવાનું જણાવ્યું હતું, જ્યારે હજુ નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને લોકોએ ભગવાનને મદદ કરવાની પ્રાર્થના કરી હતી.

નેપાળના રસુવા જિલ્લામાં કસ્ટમ એજન્ટ તરીકે કામ કરતાં રાજુ બુધાથોકી માટે બુધવારની સવાર સામાન્ય દિવસની જેમ જ શરૂ થઇ હતી, પરંતુ પળવારમાં તે જીવ બચાવવાના સંઘર્ષમાં પરિણમી હતી. અચાનક જમીન ધ્રુજવા લાગી અને જોતજોતામાં તો ધસમસતા આવતા પૂરના પાણી તેની નજર સામે ઘરોને વહાવીને લઇ ગયા હતા. હજુ પૂરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર આજે એક નવો વીડિયો વાયરલ થયો હતો, જેમાં ચારેબાજુથી પૂરથી ઘેરાયેલું ઘર જોવા મળ્યું હતું, જ્યાં એક તરફથી કાટમાળ વહી રહ્યો હતો, જ્યારે બીજી બાજુથી પૂરના પાણી ધસમસતા આજુબાજુ ફરી વળ્યા હતા. હૈયું હચમચાવનારો વીડિયો વાયરલ થયા પછી લોકોએ ભગવાન પાસે રક્ષા કરવાની મદદ માગી હતી, જ્યારે હજારો લોકોએ તેમને શક્તિ આપવા માટે પ્રાર્થના કરી હતી.

ધ કાઠમંડુ પોસ્ટના એક અહેવાલ અનુસાર બુધાથોકી તિમુરેમાં તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે સવારે લગભગ ૮-૪૫ વાગ્યે(સ્થાનિક સમય મુજબ) પહાડ જોરજોરથી ધ્રુજવા મંડ્યા હતા. ભૂકંપ આવ્યાના ડરથી તેઓ બહાર દોડી આવ્યા અને નજીકના પોલીસ સ્ટેશન તરફ દોટ મૂકી, પરંતુ તેણે જોયું કે પોલીસકર્મીઓ પોતે પણ તે વિસ્તારમાંથી ભાગી રહ્યા હતા. 

તારની વાડ ઓળંગતી વખતે તેના હાથને ઇજા પહોંચી, પરંતુ તેઓ દોડતા રહ્યા હતા. પાછળ ફરીને જોતા તેમને તિમુરે બજારમાં એક પછી એક ઘરો પૂરના પાણીમાં વહેતા જોવા મળ્યા હતા. આખરે તેઓ પહાડ પર લગભગ ૫૦૦ મીટર ઉપર એક જંગલમાં પહોંચ્યા જ્યાં તેણે આશરો લીધો અને પોતાનો જીવ બચાવ્યો.

ત્રિશુલીની એક હોસ્પિટલમાં દાખલ બુધાથોકીએ અખબારને જણાવ્યું કે જ્યારે મેં જંગલમાંથી નીચે તિમુરે તરફ જોયું ત્યારે મેં કદી કલ્પના નહોતી કરી કે આ રીતે મને નવજીવન મળશે. હવે બધું એક દુઃસ્વપ્ન જેવું લાગે છે. બુધાથોકી ભોટેકોશીમાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં બચી ગયેલા લોકો પૈકીના એક છે. આ પૂરે રસુવાગઢીમાં નેપાળ-તિબેટ સરહદી પ્રદેશ અને નીચે તરફની અનેક વસાહતોને તબાહ કરી નાખી હતી.

પોલીસ અને બચાવ ટીમોએ ગુરૂવારની રાત સુધીમાં સેંકડો મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે હજુ પણ સેંકડો ગુમ છે. બીજા એક કસ્ટમ એજન્ટ પ્રકાશ ગૌતમે પણ તિમુરેથી પોતાનો જીવ બચાવવાની ભયાનક કહાની સંભળાવી હતી. ગૌતમે અખબારને જણાવ્યું કે પ્રચંડ ગડગડાટના અવાજ પછી  થોડીવારમાં બજારમાં અંધારું છવાઇ ગયું અને આકાશ કાળા વાદળોથી ઘેરાઇ ગયું.

તેમણે કહ્યું કે હું શું કરી રહ્યો છું તેનો વિચાર કર્યા વિના જ મારા રૂમમાંથી બહાર દોડી ગયો. મને ખબર ન હતી કે ક્યાં અને કઇ તરફ ભાગવાનું છે. હું માત્ર મારો જીવ બચાવવા માંગતો હતો. તેણે કહ્યું કે હું ઉપર જંગલમાંથી પૂરના પાણીમાં વિખરાયેલા અને તરતા મૃતદેહો જોઇ શકતો હતો. મારી આંખોની સામે સુંદર તિમુરે ખંડેરમાં ફેરવાઇ ગયું હતું. ઘરો અને વસાહતો વહી ગઇ હતી. હવે ત્યાં રેતી અને કાદવ સિવાય કંઇ બચ્યું નથી.

દોલાખાના તુલસી બહાદુર ભંડારીનો જીવ પૂરના પાણીએ તેમને પહાડના ઢોળાવ તરફ ફેંકી દેતા બચ્યો હતો. તુલસી બહાદુર જણાવે છે કે હું ભાગ્યો. પરંતુ પૂરની જોરદાર થપાટે મને ફેંકી દીધો હતો. ઢોળાવ તરફ ધકેલાઇ જતાં હું વહી જવાથી બચી ગયો હતો. તેણે કહ્યું કે જો પાણીનો પ્રવાહ મને ઢોળાવ તરફ ન ફેંકત તો હું આજે જીવતો ન હોત.

બિદુર, ત્રિશુલી અને કાઠમંડુની હોસ્પિટલો અને આશ્રયસ્થાનોમાં બચી ગયેલા લોકો તેમની ઇજાઓમાંથી ઉગરી રહ્યા છે. તેમજ તેમના ઘર, સગા-સંબંધીઓ, સાથીઓ અને મિત્રો ગુમાવવાના આઘાત સામે પણ ઝઝૂમી રહ્યા છે. આ કુદરતી આપદાના પ્રભાવિત જિલ્લાઓના પરિવારો તેમના ગુમ થયેલા સગા-સંબંધીઓને હતોત્સાહપૂર્વક શોધી રહ્યા છે. 

જોકે, કાઠમંડુ નજીક સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઇસીઆઇએમઓડી) ના સંશોધકો તપાસ કરી રહ્યા છે કે શું ઊંચાઈવાળા સ્થાન પરથી ઉદ્ભવતા બરફ-ખડક હિમપ્રપાતથી પૂર આવ્યું હોઈ શકે. 

ભોટ કોશી નદીની ઉપનદી લેંડે ખોલામાં બરફ અને ખડકોનો મોટો જથ્થો પ્રવેશ્યો હોઈ શકે છે, જેના કારણે પાણી, કાંપ અને મોટા પથ્થરો નીચે તરફ વહી ગયા હોઈ શકે છે, એમ તેમણે વીડિયો ફૂટેજ અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળેલી માહિતીના પ્રાથમિક મૂલ્યાંકનના આધારે જણાવ્યું હતું.

"તે આબોહવા પરિવર્તન સાથે સંબંધિત છે કારણ કે બરફના આવરણ ઓછા થઈ રહ્યા છે, હિમનદીઓ ઓછી થઈ રહી છે, વધુ ખડકાળ અથવા ઉજ્જડ વિસ્તારો ખુલ્લા થઈ રહ્યા છે - તેઓ વધુ ગરમી શોષી લે છે, જે ઢોળાવને વધુ સંવેદનશીલ બનાવે છે," તેવું આઇસીઆઇએમઓડીના સિનિયર ક્રાયોસ્ફિયર નિષ્ણાત અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઈન્દોરના એસોસિયેટ પ્રોફેસર મોહમ્મદ ફારૂક આઝમે જણાવ્યું હતું.