Fri Sep 04 2026

Logo

માપદંડ પર ખરા ન ઊતર્યા તો ઘી પર 1 વર્ષનો પ્રતિબંધ! પનીર બાદ હવે ઘી પર સખ્તાઈ

2026-08-29 16:06:54
Author: Mumbai Samachar Team
માપદંડ પર ખરા ન ઊતર્યા તો ઘી પર 1 વર્ષનો પ્રતિબંધ! પનીર બાદ હવે ઘી પર સખ્તાઈ

નવી દિલ્હીઃ ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળનો જાણે ઉદ્યોગ ધમધમતો હોય એવું ચિત્ર છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે. પનીરમાં મિલાવટને લઈ મહારાષ્ટ્રથી શરૂ થયેલું અભિયા છેક ગુજરાત અને રાજસ્થાન સુધી લંબાયું છે. રાજ્ય સરકારના ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને ટનની માત્રામાં ખાદ્ય પદાર્થના નક્કામાં તથા આરોગ્ય સાથે ચેડા કરનારા ફૂડનો નાશ કરી દીધો છે. પનીર બાદ હવે એક રાજ્ય એવું છે જેને નકલી ઘીના વેચાણ સામે મોરચો માંડ્યો છે. આ અભિયાનની પણ દેશના જુદા જુદા રાજ્યમાં અસર થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. 

આખા રાજ્યમાં લાગુ પડશે આદેશ

વાત છે ઉત્તર ભારતના રાજ્ય હરિયાણાની, જ્યાં રાજ્ય સરકારે માપદંડ પર ખરા ન ઉતરનારા ઘીના ઉત્પાદકો સામે આંખ લાલ કરી છે. નકલી ઘીના વેચાણ, ઉત્પાદન, સ્ટોર અને સપ્લાય કરવા પર બ્રેક મારી દીધી છે. આ આદેશ સમગ્ર હરિયાણામાં લાગુ કરવા માટેના આદેશ આપી દીધા છે. હરિયાણાની રાજ્ય સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા મિલાવટને લઈને ખાદ્ય સુરક્ષા વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે. આ આદેશમાં ઘીના નામે થતા ખોટા વેપલા પર બ્રેક મારવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઘી નામે થતા નકલી ઘીના વેચાણ પર સરકારે કાયદેસરના પગલાં લેવા માટેનો આદેશ આપ્યો છે. હરિયાણા સરકારના આદેશ અનુસાર હવે કોઈ પણ એવું ઉત્પાદન ઘી નામથી વેચી શકાશે નહીં અને એનો પ્રચાર-પ્રસાર પણ કરી શકાશે નહીં. હરિણાયા રાજ્ય સરકારે નક્કી કરેલા માપદંડ પર જો એ ઉત્પાદન ખરૂ નહીં ઊતરે તો એ ઉત્પાદનને માર્કેટમાં કોઈ સ્થાન પણ મળશે નહીં. 

અસલી ઘી પર પ્રતિબંધ નથી

ઘી ફોર પૂજા, ઘી ફોર દીયા, વનસ્પતિ ઘી, કુકિંગ ઘી, ટેબલ ઘી જેવા નામથી થતા વેચાણ પર અણધારી બ્રેક રાજ્ય સરકારે મારી દીધી છે.આવા નામથી નકલી ઘીનો વેપલો કરી શકાશે નહીં. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આનો અર્થ એ નથી કે, અસલી ઘી પર બ્રેક લાગી જશે.જે ઘી નક્કી કરેલા માપદંડને પૂરા કરશે અને ક્વોલિટીમાં પણ બેસ્ટ રહેશે એ ઘીને માર્કેટમાં વેચાણ કરવાનો પૂરો અધિકાર છે. રાજ્ય સરકારે પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, અસલી ઘી પર પ્રતિબંધ બિલકુલ નથી. આ પ્રતિબંધ 21 ઓગસ્ટ 2026થી લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણણથી હોટેલ, રેસ્ટોરાં, ઢાબા, કેટરિંગ, ઈટરી, ફૂડટ્રક તથા ક્લાઉડ કિચન જેવા વેન્ચર પર સીધી અસર પડી શકે છે.સરકારનો એવો હેતુ છે કે, લોકોને શુદ્ધ અને ક્વોલિટી વાળી વસ્તુઓ મળવી જોઈએ. આ માટે નાગરિકો પૈસા પૂરતા ચૂકવે છે.