અમદાવાદઃ સાયબર ફ્રોડ સામે અવેરનેસ કેમ્પેન ચલાવતી ગુજરાત પોલીસના એક કર્મચારીને સાયબર ગઠિયો ભેટી ગયો હતો. અમદાવાદમાં સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતાં મહિલા PI સાથે ઇન્સ્યોરન્સ રિફંડના નામે રૂ. 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી હતી.
શું છે મામલો
વીમા કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી ઇન્સ્યોરન્સ પોલિસી બંધ કરાવી પાકતી મુદતના નાણાં અપાવવાનું કહી મહિલા PI સાથે ગઠિયાઓએ તેરૂ. 5.4 લાખની છેતરપિંડી આચરી હતી. મેમનગરના રહેવાસી આ મહિલા પીઆઈએ 27 ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફોન કરનારા અજાણ્યા શખ્સો અને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેના ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર, આ ફ્રોડની શરૂઆત 11 ઓગસ્ટે થઈ જ્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે વીમા કંપનીના દિલ્હી હેડક્વાર્ટરથી બોલતો હોવાનો દાવો કર્યો અને તેમની બે ઇન્સ્યોરન્સ પોલિસીની સચોટ વિગતો આપી હતી. તેણે જણાવ્યું કે એક એજન્ટે પોલિસીની રકમના 80 ટકા મેળવવા માટે ક્લેમ ફાઇલ કર્યો છે, જેથી તેમને મોટો નાણાકીય ફટકો પડી શકે છે.
ત્યારબાદ તે શખ્સે તેમના વતી ફરિયાદ નોંધવાની ઓફર કરી અને ટેક્સ્ટ મેસેજ દ્વારા એક એકનોલેજમેન્ટ નંબર મોકલ્યો હતો. બીજા દિવસે અન્ય એક શખ્સે મેનેજર તરીકે ફોન કરી જણાવ્યું કે તેમણે પ્રીમિયમ તરીકે રૂ. 10.8 લાખ ચૂકવ્યા છે અને તેનું રૂ. 8.7 લાખ વ્યાજ જમા થયું છે. જો પોલિસી બંધ કરવામાં આવે તો કુલ રૂ. 19.5 લાખ પરત મળી શકે છે.
પોલિસી ક્લોઝ કરવાની પ્રક્રિયાના નામે ઠગોએ પહેલા ચાર્જ પેટે રૂ. 99,227ની માંગણી કરી હતી. મહિલા PIએ ક્યૂઆર કોડ અને બેંક ટ્રાન્ઝેક્શન મારફતે હપ્તે-હપ્તે આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. 18 ઓગસ્ટે અન્ય એક વ્યક્તિએ જીએસટી પેટે રૂ. 4.4 લાખની માંગણી કરી આ રકમ પણ રિફંડ થઈ જશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ પીઆઈએ 19 અને 20 ઓગસ્ટ દરમિયાન QR કોડ દ્વારા રૂ. 50 હજાર અને બે અલગ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 3.90 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
24 ઓગસ્ટે વીમા કંપનીના અન્ય મેનેજર તરીકે ઓળખ આપી એક શખ્સે જણાવ્યું કે પોલિસીની કિંમત વધીને રૂ. 24.9 લાખ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં તેમના ખાતામાં જમા થઈ જશે. જોકે, તેણે આગળ કહ્યું કે પેમેન્ટ રિલીઝ થાય તે પહેલાં તેમણે એક ઇન્સ્યોરન્સ ઈ-એકાઉન્ટ ખોલવું પડશે અને તેમાં રૂ. 5.10 લાખ બેલેન્સ રાખવું પડશે. આ નવી માંગણીથી મહિલા પીઆઈને શંકા ગઈ હતી, જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને મહિલા PI સાથે છેતરપિંડી આચરનારા સાયબર ગઠિયાઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.