Fri Aug 28 2026

Logo

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં આરોપીએ આરોપ સ્વીકારવાની તૈયારી દાખવી

2026-08-28 20:37:19
Author: Yogesh C. Patel
અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં આરોપીએ આરોપ સ્વીકારવાની તૈયારી દાખવી

મુંબઈ: જાન્યુઆરી, 2025માં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર તેના બાંદ્રાના નિવાસસ્થાને ચાકુથી હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક એવા આરોપીએ કોર્ટમાં અરજી કરી હતી અને આરોપ  સ્વીકારવાની તૈયારી દાખવી હતી.

ઘટનાના બે દિવસ બાદ આરોપી મોહંમદ શરીફુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીએ આરોપ સ્વીકારવાની તૈયારી દર્શાવતી અરજી કોર્ટમાં કરી હતી અને કોર્ટ પાસે દયાની માગણી કરી હતી, એમ તેના વકીલ વિપુલ દુશિંગે જણાવ્યું હતું.

કોર્ટે તપાસકર્તા પક્ષને પોતાનો જવાબ નોંધાવવાનું કહ્યું હતું અને સુનાવણી 11 સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખી હતી. આ મહિલાની શરૂઆતમાં એડિશનલ સેશન્સ જજ જી.પી. દેશમુખે આરોપી શરીફુલ ઇસ્લામ સામે આરોપ ઘડ્યા હતા, જેથી ટ્રાયલનો માર્ગ મોકળો થાય.

આરોપી શરીફુલ ઇસ્લામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ફોરેર્ન્સ એક્ટ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમોની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બાંદ્રા વિસ્તારમાં ઇમારતના 12મા માળે આવેલા ફ્લેટમાં 16 જાન્યુઆરી, 2025ના રોજ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા સૈફને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ઇમર્જન્સી સર્જરી કર્યાના પાંચ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરાયો હતો. (પીટીઆઇ)