ભુજ: કચ્છના બંદરીય મુંદરા તાલુકાના ધ્રબ ગામની એક ૩૮ વર્ષીય વિધવા મહિલાએ પોતાના છ સગીર બાળકોની કસ્ટડી પોતાની જ પરિણીત મોટી પુત્રી અને જમાઈ પાસેથી પરત મેળવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. મુંદરાની મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ બાળકોની કસ્ટડી આપવાનો ઈનકાર કરતા મહિલાએ એડવોકેટ એ. એ. ઝબુઆવાળા મારફતે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટે આ મામલે ૨૨ વર્ષીય પુત્રી, જમાઈ અને સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી આગામી ૮ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
અરજીમાં દર્શાવેલી વિગતો અનુસાર, પીડિત મહિલાના પ્રથમ લગ્નથી એક પુત્રી છે, જ્યારે બીજા લગ્નથી બે પુત્રો અને ચાર પુત્રીઓ મળી કુલ છ બાળકો છે. વર્ષ ૨૦૨૩માં મોટી પુત્રીએ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેતા માતા-પુત્રી વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ત્યારબાદ ૬ જૂન, ૨૦૨૫ના રોજ મહિલાના બીજા પતિનું અવસાન થતાં પુત્રીએ માતા સાથે પુનઃ સંબંધો સુધારી તેમને પોતાની સાથે રહેવા નિમંત્રણ આપ્યું હતું. પરંતુ થોડા જ મહિનાઓમાં બંને વચ્ચે ફરી મતભેદો શરૂ થયા હતા.
અરજીમાં નાણાકીય ગોલમાલનો ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, પતિના અવસાન બાદ મહિલાની લાચારી અને વિશ્વાસનો લાભ ઉઠાવીને પુત્રીએ માતાના બેંક ખાતાઓનો કબજો મેળવી લીધો હતો અને તેમની સંમતિ વિના આશરે રૂપિયા ૧૫ લાખ જેટલી રકમ ઉપાડીને બારોબાર વટાવી લીધી હતી.
આ બનાવ બાદ મહિલાએ પુત્રીનું ઘર છોડી દીધું હતું, પરંતુ આક્ષેપ મુજબ પુત્રી અને જમાઈએ તેના છ સગીર બાળકોને સાથે મોકલવાનો ઈનકાર કરી તેમને પોતાની પાસે જ રાખી લીધા હતા. મહિલાએ અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં મુંદરાની જે.એમ.એફ.સી. કોર્ટમાં સી.આર.પી.સી.ની કલમ ૯૭ હેઠળ બાળકોની કસ્ટડી મેળવવા અરજી કરી હતી, જે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં ફગાવી દેવામાં આવી હતી. નીચલી અદાલતે નોંધ્યું હતું કે બાળકોને ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યા નથી અને બાળકોએ સ્વેચ્છાએ પોતાની બહેન સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જોકે, હાઈકોર્ટમાં મહિલાના વકીલે દલીલ કરી હતી કે માતા હોવાના નાતે મહિલા નેચરલ ગાર્ડિયન છે અને બાળકોની કસ્ટડી મેળવવાનો પ્રથમ હક તેનો છે. નીચલી કોર્ટના નિર્ણયને પડકારતા તેમણે ઉમેર્યું હતું કે, સૌથી નાનું બાળકની ઉંમર માત્ર ત્રણ વર્ષ છે, જે પોતાની મરજી કે સંમતિ દર્શાવવા માટે સક્ષમ નથી.
ઉત્સવ વૈદ્ય