ગાંધીનગરઃ દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવશે.
મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, આ યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને ૧૦૦% સરકારી સહાય સાથે વિનામૂલ્યે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ પૂરાં પાડવામાં આવશે. કુલ રૂ. ૨૦.૯૬ કરોડના ખર્ચે આકાર પામનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે-સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારોના દ્વાર વધુ મોકળા થશે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારતીય ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ એટલે કે, દરિયામાંથી પકડાયેલા ઝીંગાની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હતો, જેનું મુખ્ય કારણ માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતું જોખમ હતું. હવે TEDના ઉપયોગથી કાચબાઓનું જોખમ ઘટશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી સર્ટિફિકેશન્સ મેળવવાનું સરળ બનશે. પરિણામે, અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુનઃ ધમધમતી થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં ધરખમ વધારો લાવશે.

કેટલા ડિવાઈસ કરાયા મંજૂર
ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ ૮,૯૨૫ TED યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ TEDનું વિશિષ્ટ મોડેલ ICAR - સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી-કોચી દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

કેવી રીતે કામ કરશે આ ડિવાઈસ
TED એ ઝીંગા પકડવાની ટ્રોલનેટમાં લગાડવામાં આવતું એક એવું વિશિષ્ટ સાધન છે, જે ઝીંગાને જાળીમાં સુરક્ષિત રાખી કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા બહાર નીકળવાનો માર્ગ આપે છે, આનાથી કાચબાના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થશે.