Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલથી માત્ર 100 મીટર દૂર ખુલ્લેઆમ મળી જાય છે દેશી-વિદેશી  દારૂ! NSUIનો આક્ષેપ

2026-08-29 16:18:27
Author: Devayat Khatana
અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલથી માત્ર 100 મીટર દૂર ખુલ્લેઆમ મળી જાય છે દેશી-વિદેશી  દારૂ! NSUIનો આક્ષેપ

અમદાવાદ: તાજેતરમાં જ ભાવનગર જિલ્લામાં નકલી વિદેશી દારૂ પીવાના કારણે 13 લોકોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને  છેલ્લે રાજધાની દિલ્હીથી આરોપીઓને ઝડપી પાડયા છે. આ ચકચારી લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 21 શખ્સો સામે ગુનો નોંધાયો છે. SMCએ દિલ્હીથી 3 વધુ આરોપીઓને ઝડપી પાડયા છે. જો કે આ ચર્ચા વચ્ચે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાએ (NSUI) અમદાવાદમાં દારૂના વેપલા મુદ્દે ગંભીર આક્ષેપ કર્યો હતો. 

NSUIના એક કાર્યકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને આક્ષેપ કર્યો હતો કે ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીની રાજ્યના ગૃહ પ્રધાન મોટી વાતો કરી રહ્યા છે પણ અમદાવાદના કોમર્સ છ રસ્તા ઉપર આવેલ ગર્લ્સ હોસ્ટેલની 100 મીટર દૂર અત્યારે પણ દેશી-વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલુ છે. તેમણે ગુજરાત પોલીસ અને રાજ્યના પોલીસ વડાને ટેગ કરીને પ્રશ્ન કર્યો હતો કે શું નવરંગપુરા PI  ની રહેમ નજર છે?  શું ગુજરાતના ડીજીપી આ PI ઉપર કાર્યવાહી કરશે?

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનારા ચકચારી નકલી દારૂ અને લઠ્ઠાકાંડ મામલાનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચી ગયો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ નકલી ઇન્ડિયન-મેડ ફોરેન લિકર પીવાથી સત્તાવાર રીતે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હોવાના અને અન્ય 39 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના મિડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કથિત રીતે, આ ગેરકાયદે દારૂમાં મિથેનોલનું ઊંચું પ્રમાણ ભેળવવામાં આવ્યું હતું અને તેને એક ઊંચી બ્રાન્ડનું લેબલ ધરાવતી નકલી બોટલોમાં વેચવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદે દારૂના રેકેટનો ખુલાસો એક પોલીસ રિક્રૂટના મોત માટે નોંધાયેલા અકસ્માતથી મોતના કેસની તપાસ દરમિયાન થયો હતો.

NHRC એ નોંધ લીધી છે કે અહેવાલ જો સત્ય હોય તો તે માનવ અસમાનતા અને માનવતાના અધિકારોના ઉલ્લંઘનના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આથી NHRC એ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયાની અંદર આ બનાવ અંગે વિગતવાર અહેવાલ આપવા કહેવામાં આવ્યું છે.

અહેવાલમાં મૃતકોની વર્તમાન સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ પીડિતો અને મિથેનોલ તેમજ અન્ય કાચા માલની આખી સપ્લાય ચેઇનને ટ્રેસ કરવા માટે લેવામાં આવેલા પગલાં સહિતની તપાસનો સમાવેશ કરવાની પણ સૂચના છે. તેમાં આ બનાવ બાદ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે શરૂ કરવામાં આવેલી ખાતાકીય કાર્યવાહી, મૃતકોના પરિવારો અને બચેલા લોકોને પૂરી પાડવામાં આવેલી રાહત, વળતર અને તબીબી સહાયની વિગતોનો પણ સમાવેશ કરવા પણ કહેવાયું છે.  ઉપરાંત, NHRC એ  દારૂબંધીના કાયદાના અમલીકરણને મજબૂત કરવા અને આવી ઘટનાઓને રોકવા માટે અમલમાં મૂકવામાં આવી રહેલા લાંબા ગાળાના ઉપાયો અંગે પણ અહેવાલ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરની નકલી દારૂ અને લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસ ઉંડાણભરી અને આક્રમક રીતે આગળ વધી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સતત ત્રીજા દિવસે SMCના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા ભાવનગર DSP કચેરી ખાતે દોડી આવ્યા હતા. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા તેમજ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ વિભાગની ભૂમિકા, બેદરકારી કે કોઈ કથિત મિલીભગત રહી છે કે કેમ તે અંગે આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલાકો સુધી મેરેથોન પૂછપરછ અને ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી હતી.