Fri Sep 04 2026

Logo

મુંદરા પોર્ટ પાસેથી રૂ.37  લાખના હેરોઈન સાથે ટ્રકચાલક ઝડપાયો, રૂ. 1.58  કરોડનો મુદ્દામાલ જપ્ત

2026-08-23 21:22:00
Author: Chandrakant Kanoja
મુંદરા પોર્ટ પાસેથી રૂ.37  લાખના હેરોઈન સાથે ટ્રકચાલક ઝડપાયો, રૂ. 1.58  કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુજ: પંજાબથી કચ્છના બંદરો પર માલસામાનની હેરફેરની આડમાં હેરોઈનનો કાળો કારોબાર કરતા પંજાબી ટ્રકચાલકની પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ રૂપિયા 37 લાખની કિંમતના 185  ગ્રામ હેરોઈન સાથે મુંદરા પોર્ટ નજીકથી ધરપકડ કરી હતી.

1,59,105ની  રોકડ રકમ મળી આવી

એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોખા નજીક  પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રેલરમાં દરોડો પાડ્યો હતો. ટ્રેલરની કેબિનમાંથી કારજસિંઘ કુલબીરસિંઘ માનીસ (ઉં.વ. 30, રહે. મોગા, પંજાબ)ની અટકાયત કરી તલાશી લેતાં પ્લાસ્ટિકના પાઉચમાં રખાયેલું 185  ગ્રામ હેરોઈન, ડિજિટલ વજનકાંટો, ખાલી પાઉચ અને રૂ. 1,59,105ની  રોકડ રકમ મળી આવી હતી.

રૂ.2.40  લાખમાં 200 ગ્રામ હેરોઈન ખરીદ્યું હતું

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે મોગાના રવિ ઉર્ફે બગ્ગા પાસેથી રૂ.2.40  લાખમાં 200 ગ્રામ હેરોઈન ખરીદ્યું હતું. તેમાંથી ૧૫ ગ્રામ જથ્થો રાજસ્થાન અને ગાંધીધામમાં વેચ્યા બાદ બાકીનો 185  ગ્રામ જથ્થો મુંદરામાં સ્થાનિક ગ્રાહકોને વેચવા ઊભો હતો ત્યારે જ પકડાઈ ગયો હતો.

સ્થાનિક નેટવર્કને ખુલ્લું પાડવા પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે રૂ.37  લાખનું હેરોઈન, રોકડ રકમ, રૂ.40  લાખનું ટ્રેલર તથા રૂ.40  લાખના સૂતરના ધાગા ભરેલા કન્ટેનર સહિત કુલ રૂપિયા 1,59,105નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાગપર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંધીધામ અને મુંદરાના સ્થાનિક નેટવર્કને ખુલ્લું પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈધ)