Tue Aug 25 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા ભારતીય ચૂંટણી વ્યવસ્થાના વખાણ: ભાજપ ખુશખુશાલ, પણ કોંગ્રેસની 'ઊંઘ હરામ', EVM મુદ્દે ઊઠાવ્યા સવાલ

2026-08-18 16:14:00
Author: Mumbai Samachar Team
ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા ભારતીય ચૂંટણી વ્યવસ્થાના વખાણ: ભાજપ ખુશખુશાલ, પણ કોંગ્રેસની 'ઊંઘ હરામ', EVM મુદ્દે ઊઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને ઈરાન સામેના જંગ વચ્ચે ભારત માટેના વલણમાં સતત બદલાવ આવી રહ્યા છે, ત્યારે હવે ટ્રમ્પે ભારતીય ચૂંટણી પ્રણાલી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં મતદારો માટે ફોટો IDને વધુ મહત્વ આપવાની દલીલ કરતા ભારતની ચૂંટણી વ્યવસ્થાનું ઉદાહરણ આપ્યું છે. 
ટ્રમ્પે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારતમાં મતદાન માટે માન્ય ફોટો ઓળખની વ્યવસ્થા છે. તેમણે ભારતીય ચૂંટણી પ્રક્રિયાને અમેરિકામાં ચૂંટણી સુધારાની ચર્ચા દરમિયાન એક ઉદાહરણ તરીકે રજૂ કરી હતી.

ભાજપે આપી મોટી પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન બાદ BJPએ તેને ભારતની ચૂંટણી વ્યવસ્થાની મજબૂતી તરીકે રજૂ કરી છે. BJP નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર અમેરિકાની જેમ સમૃદ્ધ લોકતંત્રને પણ પ્રેરણા આપી રહ્યું છે.લોકશાહીમાં મતદાનનો અધિકાર માત્ર કાયદેસર રીતે લાયક નાગરિકોને જ મળવો જોઈએ. આમ, ટ્રમ્પના નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભારતની ચૂંટણી વ્યવસ્થાને મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા તરીકે રજૂ કર્યું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખની આ વાત બાદ ચર્ચા એ શરૂ થઈ રહી છે કે ચૂંટણી પંચની કામગીરીની ખ્યાતિ સાત સમંદર પાર પહોંચી છે. 

કોંગ્રેસના નેતાએ કર્યો સવાલ? 
આ દાવા સામે કોંગ્રેસે અલગ જ મુદ્દો આગળ ઉઠાવીને મુદ્દાની બીજી બાજુ વાત કરી છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે સવાલ કર્યો કે, જો ભારતની ચૂંટણી વ્યવસ્થા ખરેખર ઉદાહરણરૂપ છે, તો દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચા થવી જોઈએ. તેમણે ટ્રમ્પ સહિત કેટલાક અમેરિકન નેતાઓ દ્વારા બેલેટ પેપર અંગે કરવામાં આવેલા નિવેદનોનો સંદર્ભ આપ્યો. આ સંદર્ભ બાબતે કોઈ મોટા નેતા તો બોલ્યા નથી પણ બેલેટ થી મતદાનની વાત ફરી ચર્ચા માં આવી ગઈ છે. આગામી દિવસોમાં ચૂંટણી જે તે રાજ્યોમાં થવાની છે ત્યારે આ મુદ્દો ફરી રાજકીય રંગ પકડે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા પવન ખેડાએ પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટોણો મારતા કહ્યું કે જ્ઞાનેશ કુમારને અમેરિકા લઈ જવા જોઈએ. કોંગ્રેસનો સવાલ માત્ર વોટર ID પૂરતો નથી, તે ચૂંટણી પંચની ભૂમિકા, EVM અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ ચર્ચા આગળ ધપાવી રહી છે.

આ પરિવર્તન થયા છે
ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં સમય સાથે મોટો બદલાવ આવ્યો છે. લાંબા સમય સુધી ચૂંટણીમાં કાગળના બેલેટનો ઉપયોગ થતો હતો. EVMનો પ્રયોગ 1982માં કેરળની એક પેટાચૂંટણીમાં મર્યાદિત સ્તરે કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તબક્કાવાર તેનો ઉપયોગ વધ્યો. 1990ના દાયકાના અંત સુધીમાં EVMનો ઉપયોગ વ્યાપક બન્યો અને 2004ની લોકસભાની ચૂંટણી સુધીમાં તે ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય ભાગ બની ગયો.

ટ્રમ્પનું નિવેદન મૂળ અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં ફોટો ID અંગેની ચર્ચા સાથે જોડાયેલું હતું, પરંતુ ભારતમાં તેણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જૂની ચૂંટણી-વ્યવસ્થા અંગેની રાજકીય ચર્ચાને ફરી તેજ કરી છે. એક તરફ ભાજપ તેને ભારતની ચૂંટણી વ્યવસ્થાની સફળતા ગણાવી રહી છે, જ્યારે કોંગ્રેસ EVM, બેલેટ પેપર અને ચૂંટણી પંચની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવી રહી છે. એટલે અમેરિકાની વોટર IDની ચર્ચા હવે ભારતમાં પણ એક મોટો રાજકીય મુદ્દો બની ગઈ છે.