અમદાવાદઃ સુરતના નાસિરનગર ડીમોલિશન બાદ અમદાવાદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. કોર્પોરેશનના નામે ખાનગી એજન્સીઓએ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. જોકે કોર્પોરેશનના અધિકારીઓને પૂછતાં ભૂતિયા ડીમોલિશન થયું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના નાના ચિલોડા નજીક ત્રણ દુકાનોનું ડીમોલિશન કરવામં આવ્યું હતું. કોર્પોરેશનના નામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્ય પ્રમાણે, જે વ્યક્તિએ કોર્પોરેશનના નામે ડીમોલિશન કરાવ્યું હશે તેની સામે કાર્યવાહી થશે. કોર્પોરેશનને ડીમોલિશન સાથે કોઈ લેવા દેવા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ ઘટના વોર્ડ નંબર 11 - સરદારનગરના એક રસ્તા પર બની હતી. જે નરોડા GIDC વિસ્તારમાંથી પસાર થાય છે. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી આ ત્રણેય દુકાનો GIDC ની હદમાં આવે છે. આ વિસ્તાર નાના ચિલોડા નજીક આવેલો છે. ડિમોલિશન અંગેની માહિતી મળ્યા બાદ સ્થળ તપાસ કરી હતી. બપોરે આશરે 12 થી 2 વાગ્યાની વચ્ચે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે આ મિલકત GIDC વિસ્તારમાં આવતી હોવાથી તેણે આ દુકાનો સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેથી આ મિલકત સંબંધિત કોઈપણ કાર્યવાહી GIDC દ્વારા જ કરવાની રહે છે. આ ઉપરાંત કોર્પોરેશને વધુમાં જણાવ્યું હતું કે, ડિમોલિશનના સંદર્ભમાં પાલિકાના નામનો કથિત દુરુપયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવાશે.
કોર્પોરેશન દ્વારા ડિમોલેશન ન કરાયું હોવાની સ્પષ્ટતા કરાઇ છે ત્યારે સત્તાવાર મંજૂરી કે કાર્યવાહી વિના કોર્પોરેશનના નામે ત્રણ દુકાનો કોણે તોડી નાખી તે મોટો સવાલ ઉભો થયો હતો. ઘટનાને લઈ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. કોર્પોરેશનના નામનો ઉપયોગ કરીને કોઈએ કાર્યવાહી કરી છે પછી સમગ્ર મામલે અન્ય કોઈ કારણ છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.