Sun Sep 06 2026

Logo

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં દાનની રકમની હેરાફેરી, સુપ્રીમ કોર્ટેનું કડક વલણ

2026-08-25 18:23:19
Author: Chandrakant Kanoja
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં દાનની રકમની હેરાફેરી, સુપ્રીમ કોર્ટેનું કડક વલણ

નવી દિલ્હી: રામ મંદિર દાન ચોરી કેસ બાદ દેશના અન્ય મંદિરોના પણ દાનની ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરમાં દાનના દુરુપયોગ અને ભંડોળના અનિયમિત ઉપાડના આરોપો અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેમજ કહ્યું છે કે દાનની તમામ રકમ તિજોરીમાં જમા કરાવવામાં આવે.

દાનની રકમ વાપરવાની મંજૂરી આપી શકાય નહિ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ભક્તો દ્વારા દાન કરાયેલ તમામ નાણાં મંદિરની દાન પેટીમાં અથવા ઓનલાઈન માધ્યમથી  મંદિરની તિજોરીમાં જમા કરાવવા જોઇએ. કોર્ટે જણાવ્યું હતું કે દાનની રકમ કોઈપણ રીતે વાપરવાની મંજૂરી આપી શકાય નહિ. 

ત્રણ વ્યક્તિઓ નાણાં એકઠા કરીને પોલીથીન બેગમાં નાખતા દેખાયા 

મંદિરના સંચાલનનું નિરીક્ષણ કરતી હાઇ પાવર કમિટીનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ મનીન્દર સિંહે કોર્ટને માહિતી આપી હતી કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ પ્રકાશમાં આવી છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કોર્ટને ફોટોગ્રાફ્સ અને એક વિડીયો પણ રજૂ કર્યો હતો. સિંહે જણાવ્યું હતું કે વિડીયોમાં ત્રણ વ્યક્તિઓ  પરંપરાગત દાનપેટીની સામે ઉભા રહેલા ભક્તો પાસેથી નાણાં  એકઠા કરીને પોતાની પોલીથીન બેગમાં નાખતા દેખાય છે.

તિજોરીના સંચાલન માટે પારદર્શક વ્યવસ્થા લાગુ કરવા નિર્દેશ 

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મંદિર સેવકો અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઉભી કરવામાં આવતા કોઈપણ અવરોધને અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે. કોર્ટે મંદિર વ્યવસ્થાપન સમિતિને મંદિરના તિજોરીના સંચાલન માટે પારદર્શક વ્યવસ્થા લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.