Wed Sep 16 2026

Logo

બીઆરટીએસની બસમાંથી પટકાયેલા યુવકનું બસ નીચે જ કચડાવાથી મોત

2026-08-25 17:56:47
Author: Pooja Shah
બીઆરટીએસની બસમાંથી પટકાયેલા યુવકનું બસ નીચે જ કચડાવાથી મોત

અમદાવાદઃ મુંબઈની ટ્રેનોમાં દરવાજે લટકતા મુસાફરોના ફોટા અને વીડિયો ઘણા વાયરલ થતા હોય છે. જીવના જોખમે મુસાફરી કરતા શહેરના લોકો પાસે બીજો કોઈ ચારો પણ નથી હોતો. સુરત શહેરમાં પણ જાહેર પરિવહનોમાં પ્રવાસ કરવો ઘણો અઘરો થઈ ગયો છે. આવી જ એક ઘટનામાં સુરત બીઆરટીએસ બસમાંથી નીચે પટકાયેલો યુવક બસ નીચે જ કચડાઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 

શહેરના ભાઠેના વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે બીઆરટીએસની બસમાં ભીડ હતી અને દેવ કોરવાલા નામનો એક યુવક (18) બસમાં ચડવા ગયો હતો. ભારી ભીડમાં તે ચડે અને બરાબર ઊભો રહે તે પહેલા તો બસચાલકે બસ ચલાવી હતી અને બેલેન્સ ન રહેતા દેવ નીચે પટકાયો હતો અને તે જ બસનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. દેવને ત્યાં હાજર લોકોએ તાબડતોબ નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
 
બે ભાઈઓમાં નાનો દેવ આ રીતે મોતને ભેટતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.