વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કાર્યવાહી ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ હેઠળ કરવામાં આવી છે. ઈરાન સાથે જોડાયેલા પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ વેપાર નેટવર્કમાં ભારતીય કંપનીઓની ભૂમિકાને લઈ ચાર કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકી વિદેશ વિભાગે પોર્ટઈઝ પાર્ટનર્સ એલએલપી, સદાશિવા ઓવરસીઝ લિમિટેડ, પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ અને પ્રકૃતિઝ ઈન્ફ્રા ઈમ્પેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પર પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ આ કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોલિયમ અથવા પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેપારમાં સંડોવાયેલા હોવાના આરોપ મૂક્યા છે.
પોર્ટઈઝ પાર્ટનર્સ પર શું આરોપ મૂકવામાં આવ્યો?
અમેરિકી વિદેશ વિભાગનો દાવો છે કે પોર્ટઈઝ પાર્ટનર્સ એલએલપીએ ઈરાનથી ભારતમાં ઘણા કન્સાઇનમેન્ટ્સમાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાતમાં મદદ કરી હતી. વિભાગે તેના બે નામાંકિત ભાગીદારો તરીકે ભારતીય નાગરિક ઈન્દ્રિસમિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગીનો પણ ઉલ્લેખ કર્યો છે.
સદાશિવા ઓવરસીઝ પર કેટલા વેપારનો આરોપ?
અમેરિકાના જણાવ્યા મુજબ, સદાશિવા ઓવરસીઝ લિમિટેડે ફેબ્રુઆરી 2024 થી જૂન 2025 વચ્ચે અનેક કંપનીઓ પાસેથી આશરે 6.9 કરોડ ડૉલર મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી. તેમાં અમેરિકી પ્રતિબંધોના દાયરામાં આવી ચૂકેલી કંપની બોનજોર કોમોડિટી એફઝેડઈ પણ સામેલ હોવાનું જણાવાયું છે.
અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું કે કંપનીને ઈરાનમાંથી પેટ્રોલિયમ અથવા પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી, સંપાદન, વેચાણ, પરિવહન કે માર્કેટિંગ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વ્યવહારોમાં કથિત રીતે જાણીજોઈને સામેલ થવાના આધારે પ્રતિબંધિત કરવામાં આવી છે.
પીપી સોફ્ટટેક પર અમેરિકાએ શું કહ્યું?
અમેરિકી વિદેશ વિભાગે પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ પર પણ ઈરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ મૂક્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ જાન્યુઆરી 2024 થી જૂન 2025 વચ્ચે આશરે 2.5 કરોડ ડૉલર મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરી હતી. કંપનીના ડિરેક્ટર તરીકે ભારતીય નાગરિક પ્રશાંત ગર્ગનું નામ પણ જાહેર કરાયેલી વિગતોમાં સામેલ છે.
પ્રકૃતિઝ ઈન્ફ્રા પર પણ લાગ્યો પ્રતિબંધ
અમેરિકાએ પ્રકૃતિઝ ઈન્ફ્રા ઈમ્પેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પર કાર્યવાહી કરતાં કહ્યું, કંપનીએ મે 2023 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે વિવિધ કંપનીઓ પાસેથી આશરે 2.5 કરોડ ડૉલર મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી.