કાબુલઃ પાકિસ્તાન સામે આઝાદીની લડાઈ લડી રહેલા બલૂચોએ મોટી જાહેરાત કરી છે. જે મુજબ બલૂચિસ્તાનની ઓળખને ફરી પ્રસ્થાપિત કરવા ત્યાં આવેલા પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ નામો અને પ્રતીકોને હટાવાશે. ધ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાને પોતાને એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ ગણાવતા જણાવ્યું છે કે તેની સ્વતંત્રતાનો પાયો 11 ઓગસ્ટ, 1947 સાથે જોડાયેલો છે.
બલૂચિસ્તાનમાં રસ્તાઓ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, હોસ્પિટલો, એરપોર્ટ્સ, દરિયાઈ બંદરો, શૈક્ષણિક સંસ્થાઓ, શેરીઓ, ચાર રસ્તાઓ અને અન્ય જાહેર સ્થળોના નામોની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા હેઠળ પાકિસ્તાન, બ્રિટન અથવા ભૂતકાળના કોઈ વિદેશી શાસન અને કબજાની ઓળખ કે પ્રતીકોનું પ્રતિનિધિત્વ કતા હોય તેવા નામોની ઓળખ કરાશે. આ પ્રક્રિયાનો હેતુ માત્ર સ્થળોના નામ બદલવાનો નથી, પરંતુ બલૂચિસ્તાનની પોતાની ઐતિહાસિક ઓળખ, રાષ્ટ્રીય ચરિત્ર અને સાંસ્કૃતિક વારસાને ફરી જીવિત કરવાનો છે.
ક્વેટા અને બલૂચિસ્તાનના અન્ય વિસ્તારોમાં આવેલા જિન્ના રોડ, ફાતિમા જિન્ના રોડ, ઈકબાલ રોડ જેવા નામોને તબક્કાવાર બદલવામાં આવશે. તેમને બલૂચિસ્તાનના પ્રાચીન ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, શહીદો, રાષ્ટ્રીય નેતાઓ અને ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે જોડાયેલા હોય તેવા નામ આપવામાં આવશે. માત્ર આટલા જ નહીં હૉસ્પિટલો, એરપોર્ટ્સ, એરલાઇન્સ, બંધ (ડેમ), ખનિજ પ્રોજેક્ટ્સ, ગેસ ક્ષેત્રો, ઓઇલ વેલ્સ, બંદરો, હાઇવે, બગીચાઓ, બેંકો, રિસોર્ટ્સ, મોલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી ઇમારતો અને જાહેર સ્થળોના નામ પણ બલૂચિસ્તાનની રાષ્ટ્રીય ઓળખ અને ઐતિહાસિક વારસાને અનુરૂપ રાખવામાં આવશે.
Republic of Balochistan Announces Removal of Pak-Associated Names pic.twitter.com/9C1pc5M2QX
— Maqbool Dar (@Rifa_e_Aam) August 25, 2026
ધ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનનું સ્પષ્ટ માનવું છે કે કોઈપણ રાષ્ટ્રની સ્વતંત્રતાની સાચી ભાવના માત્ર રાજકીય ઘોષણા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તેના ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, પ્રતીકો, સંસ્થાઓ અને જાહેર જીવનમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ જ કારણોસર બલૂચિસ્તાન પોતાની ધરતી પરથી તે તમામ સત્તાવાર અને જાહેર પ્રતીકોને ક્રમશઃ હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. બલૂચિસ્તાને સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા કોઈ દેશ કે તેના લોકો વિરુદ્ધ નથી, પરંતુ બલૂચિસ્તાનની પોતાની રાષ્ટ્રીય ઓળખને પુનઃસ્થાપિત કરવાના એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે શરૂ કરવામાં આવી રહી છે.
નવી પેઢીને પોતાના ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ
સ્થળોના નામ બદલવાની આ કવાયત એક વ્યાપક પ્રક્રિયાનો હિસ્સો બનશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બલૂચિસ્તાનના સમૃદ્ધ ઐતિહાસિક વારસા તરફ પાછા ફરવું, નવી પેઢીને તેના પોતાના ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી અને જાહેર તથા સરકારી સંસ્થાઓને સ્થાનિક રાષ્ટ્રીય ઓળખ પ્રદાન કરવાનો છે. ધ રિપલબ્લિક ઓફ બલૂચિસ્તાન અનુસાર, આ પ્રક્રિયા માત્ર માર્ગો કે ઇમારતોના નામ બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ બલૂચિસ્તાનના ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય અસ્મિતાને જાહેર જીવનમાં ફરી સ્થાપિત કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે.