અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને તેમની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક અત્યંત રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવવા માટે સંગઠન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
લાંબા સમયથી શિષ્યવૃત્તિ ન મળવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી આર્થિક અગવડતાઓ દૂર કરવા અને શિષ્યવૃત્તિની પેન્ડિંગ પડેલી અરજીઓનો સત્વરે નિકાલ કરવા અંગે આ માંગ કરવામાં આવી છે.
આ મામલે વિદ્યાર્થીઓનો અવાજ સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવા માટે ABVP દ્વારા રાજ્યભરમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કલેકટરોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ગાંધીનગર, મોરબી, પશ્ચિમ કચ્છ, આણંદ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના વિવિધ જિલ્લા મથકો પર ABVP ના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને સત્તાવાર આવેદનપત્ર આપ્યા હતા. આ તમામ આવેદનપત્રોમાં તેમની એ માગ પર ભાર મૂકવામાં આવ્યો હતો કે શિષ્યવૃત્તિની ફાળવણી પ્રક્રિયામાં થતો વિલંબ અટકાવવામાં આવે અને અરજીઓનો સમયબદ્ધ નિકાલ થાય.
ઉલ્લેખનીય છે કે, શિષ્યવૃત્તિ એ આર્થિક રીતે નબળા અને અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો એક મુખ્ય આધાર હોય છે. જો શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળે તો અનેક હોશિયાર અને ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ સામે જોખમ ઊભા થઈ જતાં હોય છે. આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે ABVP દ્વારા કરવામાં આવેલી આ રાજ્યવ્યાપી રજૂઆતથી વહીવટી તંત્ર સફાળું જાગે અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરીને બાકી શિષ્યવૃત્તિની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવે તેવી પ્રબળ આશા વિદ્યાર્થી આલમમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.