નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે દેશના રક્ષા ઉત્પાદનને વેગ આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઈલ સિસ્ટમની ટેક્નોલોજી ભારતીય ખાનગી ઉદ્યોગોને હસ્તાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા આ આધુનિક ટેક્નોલોજીઓ ખાલી સરકારી સંસ્થાઓ પૂરતી જ સીમિત હતી, પરંતુ હવે દેશની પ્રાઇવેટ કંપનીઓ પણ આ મિસાઈલોનું નિર્માણ કરી શકશે. આ ઐતિહાસિક ફેરફારથી ભારતમાં જ આધુનિક મિસાઈલ સિસ્ટમના ઉત્પાદનનો નવો માર્ગ મોકળો થયો છે.
આ પ્રક્રિયા અંતર્ગત ટેક્નોલોજી ટ્રાન્સફર મેળવવા માટે કંપનીઓને કેટલાક જરૂરી ધોરણો પૂરા કરવા પડશે. ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે લાગુ પડતી યોગ્યતાઓ, સત્તાવાર પ્રમાણપત્રો અને નિયમનકારી આવશ્યકતાઓના આધીન રહેશે. આ વ્યવસ્થાથી DRDO હવે સીધા મિસાઈલ વિકાસથી આગળ વધીને સીધા જ આદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના પરિણામે સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ થશે અને દેશની અંદર જ મિસાઈલ નિર્માણની આખી સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે.
આ પહેલના કારણે MSME તેમજ અન્ય તકનીકી ભાગીદારોને પણ રક્ષા ક્ષેત્રની સપ્લાય ચેઈનમાં જોડાવાની સોનેરી તક મળશે. ઉદ્યોગોની આ ભાગીદારીથી દેશમાં મોટા પાયે રોજગારીના નવા માર્ગો ખુલશે અને સમગ્ર ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવા સાથે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. અત્યાર સુધી આપણી જરૂરિયાતો માટે વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે દેશ પોતાની જરૂરિયાતની મિસાઈલોનું નિર્માણ સ્વયં કરી શકશે, જેનાથી કિંમતી વિદેશી મુદ્રાની બચત થશે અને આપાતકાલીન સ્થિતિમાં સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.
લાંબા ગાળે આ નીતિના પરિણામે ભારત માત્ર પોતાની જરૂરિયાતો જ નહીં સંતોષે, પરંતુ વૈશ્વિક બજારમાં મિસાઈલ ટેક્નોલોજીની નિકાસ કરવાની ક્ષમતા પણ હાસિલ કરશે. ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધવાથી રક્ષા ક્ષેત્રમાં નવી સ્પર્ધા અને ટેક્નોલોજીગત ઇનોવેશનમાં વધારો થશે, જે સશસ્ત્ર દળોને વધુ ઝડપથી આધુનિક હથિયારો ઉપલબ્ધ કરાવશે.