ફટાકડાના ધુમાડાને કારણે આંખોમાં બળતરા થતાં ગુસ્સામાં તેણે ગુનો આચર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશમૂર્તિના આગમનની શોભાયાત્રા પર ઇંડાં ફેંકવા બદલ પોલીસે માનસિક રીતે અક્ષમ યુવકની ધરપકડ કરી હતી. ઇંડાંની ડિલિવરી આપવા આવેલો યુવક બિલ્ડિંગમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તેના ધુમાડાને કારણે આંખોમાં બળતરા થવાથી આરોપીને ગુસ્સો આવ્યો હતો અને ગુસ્સામાં તેણે ઇંડાં શોભાયાત્રા પર ફેંક્યાં હતાં.
મઝગાંવમાં રામભાઉ ભોગલે માર્ગ પર રવિવારે રાતના 9.40 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને ભાયખલા પોલીસે 36 કલાકમાં યુવકની ધરપકડ કરી હતી, જેની ઓળખ દાનિશ શેર ખાન (22) તરીકે થઇ હતી. તે ઑનલાઇન ઓર્ડર લઇ ઇંડાં વેચવાનું કામ કરે છે.
માઝગાંવચા મોરયા ગણેશોત્સવ મંડળના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ રવિવારે કારખાનામાંથી ગણેશમૂર્તિ લઇને નીકળ્યા હતા. શોભાયાત્રા રાતના મઝગાંવના મંડપથી થોડે દૂર રામભાઉ ભોગલે માર્ગ પર પહોંચી ત્યારે ત્યાંની કોન્ટિનેન્ટલ હાઇટ્સ ઇમારતના ઉપરના માળેથી ઇંડાં ફેંકાયાં હતાં, જેને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને તેઓ ઇમારતની બહાર એકઠા થઇ ગયા હતા. ઘટનાને કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ બનતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ પ્રકરણ સંવેદનશીલ હોવાથી પોલીસની પાંચ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને આરોપીની શોધ ચલાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ અને ઉપલબ્ધ અન્ય પુરાવાને આધારે આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરાઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ઓનલાઇન ઓર્ડર લઇને ઇંડાં ઘરે પહોંચાડવાનું કામ કરતો આરોપી દાનિશ શેર ખાન રવિવારે રાતના ઇંડાં પહોંચાડવા મઝગાંવ આવ્યો હતો. તે કોન્ટિનેન્ટલ હાઇટ્સ ઇમારતમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે ગણેશમૂર્તિની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ફટાકડાના ધુમાડાને કારણે તેની આંખોમાં બળતરા થવા લાગી હતી, જેને કારણે તેને ગુસ્સો આવ્યો હતો અને ગુસ્સામાં તેણે શોભાયાત્રા પર ઇંડાં ફેંક્યાં હતાં, એવું તપાસમાં જાણવા મલ્યું હતું. દાનિશ માનસિક રીતે અક્ષમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.