Sun Sep 13 2026

Logo

જ્યારે ડિરેક્ટરે આ આ દિગ્ગજ અભિનેતાને કહ્યું કે તમને એક્ટિંગ નથી આવડતી, ઘરે જાવ... આજે કરોડોમાં છે નેટવર્થ...

2026-08-18 20:42:18
Author: Darshana Visaria
જ્યારે ડિરેક્ટરે આ આ દિગ્ગજ અભિનેતાને કહ્યું કે તમને એક્ટિંગ નથી આવડતી, ઘરે જાવ... આજે કરોડોમાં છે નેટવર્થ...

બોલીવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન માટે પણ બોલીવૂડમાં સફળતાનો માર્ગ આસાન નહોતો. આજે ભલે તેઓ પોતાના દમદાર અવાજ, અદ્ભુત અભિનય અને વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતા છે, પરંતુ શરૂઆતના દિવસોમાં તેમની ઊંચાઈ (લંબાઈ) જ તેમના રિજેક્શનનું મુખ્ય કારણ બની હતી. આ અંગે ખુદ બિગ બીએ ખુલાસો કર્યો હતો, ચાલો જોઈએ શું છે આખો કિસ્સો...

હાલમાં ઓન એર થયેલાં લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 18' (KBC 18ના એક ખાસ એપિસોડમાં બિગ બીએ પોતાના સંઘર્ષના દિવસો અને સેટ પર સાંભળવી પડેલી કડવી વાતોનો રસપ્રદ ખુલાસો કર્યો છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026ના ગોલ્ડ મેડલિસ્ટ એથ્લિટ્સ લવલીના બોરગોહેન, ઝંડૂ કુમાર, શર્મિલા ધનકર અને અસ્મિતા ડે સાથેના સ્પેશિયલ એપિસોડ દરમિયાન અસ્મિતા ડેએ બિગ બીને પૂછ્યું હતું કે શું શરૂઆતમાં તેમને પણ શૂટિંગ દરમિયાન ખેલાડીઓની જેમ ભૂલ કરવા પર ઠપકો મળતો હતો?

તેના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં મને ખૂબ જ ઠપકો મળતો હતો. લોકો કહેતા કે તને કંઈ આવડતું નથી, એક્ટિંગ-વેક્ટિંગ આવડતી નથી, તું બહુ ઊંચો છે, ચાલ્યો જા ઘરે! બિગ બીએ ઉમેર્યું હતું કે જ્યારે તેમને માંડ કામ મળતું ત્યારે પણ નિર્દેશકો તેમના ડાયલોગ બોલવાની રીત પર ગુસ્સે થતા અને કહેતા કે શું આ રીતે ડાયલોગ બોલાય? જોકે, સતત ઠપકો અને સુધારાના કારણે જ તેઓ ધીમે-ધીમે વધુ સારા અભિનેતા બન્યા.

અમિતાભ બચ્ચને સમયપાલન સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો યાદ કરતાં જણાવ્યું હતું કે એક વખત તેમને શૂટિંગ પર પહોંચવામાં થોડું મોડું થઈ ગયું હતું. એ સમયે તેમની પાસે પોતાની ગાડી નહોતી, તેથી તેઓ અન્ય કોઈની કારમાં લિફ્ટ લઈને સેટ પર પહોંચ્યા હતા. ડિરેક્ટર બહાર જ ઊભા હતા અને બિગ બીને જોતાં જ કહ્યું કે, આજનું શૂટિંગ પેકઅપ થઈ ગયું છે, અહીંથી નીકળી જાઓ! અને તેમને સેટ પરથી પાછા મોકલી દીધા હતા.

વાત કરીએ બિગ બીના વર્ક ફ્રન્ટની તો હાલમાં તેઓ કેબીસીની 18મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે, જેનું પ્રીમિયર 10મીઓગસ્ટથી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ (Sony LIV) પર થયું છે. આ સીઝન સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થઈ રહી છે અને આ વખતની થીમ 'સોચના પડેગા' રાખવામાં આવી છે.