Sun Aug 23 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટી અને અલનિનોની અસર

2026-08-18 19:59:01
Author: Ramesh Gohil
Article Image

નાણાકીય વર્ષ 2027માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને 6.8 ટકા રહેવાનો ઈક્રાનો અંદાજ 

નવી દિલ્હીઃ
પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ક્રૂડતેલ સહિત ઈંધણના ભાવમાં વધારો અને તેને કારણે ફુગાવામાં વધારાની શક્યતા ઉપરાંત અલનિનોની કૃષિ ક્ષેત્ર પર પડનારી માઠી અસરને ધ્યાનમાં લેતા ઈન્ડિયા રેટિંગ્સ ઍન્ડ રિસર્ચે વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટેના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ આગલા નાણાકીય વર્ષના 7.6 ટકા સામે ઘટીને 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ મે મહિનામાં નાણાકીય વર્ષ 2027 માટે ઈક્રાએ મૂકેલા 6.7 ટકા વૃદ્ધિદરનાં અંદાજની સામે વધુ 6.8 ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે, આ મહિનાના આરંભે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા સ્થાનિક અર્થતંત્રની મજબૂતીને ધ્યાનમાં લેતા આર્થિક વૃદ્ધિનો અંદાજ જે અગાઉ 6.6 ટકા મૂકવામાં આવ્યો હતો તે વધારીને 6.7 ટકા મૂકવામાં આવ્યો હતો. 

વર્તમાન નાણાકીય વર્ષ 2027માં ક્રૂડતેલના સરેરાશ ભાવ મે 2026નાં બેરલદીઠ 95 ડૉલર સામે 85 ડૉલર આસપાસ રહેવાની સાથે ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય જે મે 2026માં 94.28 હતું તે સરેરાશ 93.98 આસપાસ રહેવાની શક્યતા ઈક્રાએ વ્યક્ત કરી છે.

વધુમાં ફિચ જૂથની સબસિડિયરી ઈન્ડિયા રેટિંગ્સે એફસીએનઆર બી (ફોરેન કરન્સી નોન રેસિડૅન્ટ (બૅન્ક)) અને ઈસીબી (એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ) હેઠળ 70 અબજ ડૉલરના મૂડીગત્‌‍ પ્રવાહનો અંદાજ મૂક્યો છે. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદર મંદ પડવાના મુખ્ય કારણોમાં પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો અને તેને કારણે ખાદ્ય ચીજોના ફુગાવામાં વધારા ઉપરાંત અલનિનોની કૃષિ ક્ષેત્ર પર થનારી સંભવિત માઠી અસરો હોવાનું એજન્સીએ યાદીમાં ઉમેર્યું હતું. 

એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર, ઑક્ટોબરથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી માર્ચ સુધીનાં ત્રિમાસિકગાળા માટે અનુક્રમે 6.9 ટકા, 6.6 ટકા, 6.7 ટકા અને 6.9 ટકાના જીડીપીનો અંદાજ મૂક્યો છે, જ્યારે રિઝર્વ બૅન્કે અનુક્રમે સાત ટકા, 6.4 ટકા, 6.5 ટકા અને 6.8 ટકાનો અંદાજ મૂક્યો છે. 

ઈન્ડિયા રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ અને પબ્લિક ફાઈનાન્સના હેડ દેવેન્દ્ર પંતે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ક્રૂડતેલના સરેરાશ ભાવ બેરલદીઠ 101.31 ડૉલર રહ્યા હતા અને એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન સરેરાશ 96.49 ડૉલર રહ્યા હતા. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં ક્રૂડતેલના સરેરાશ ભાવ બેરલદીઠ 85 ડૉલર આસપાસ રહે એવી અમારી ધારણા છે. એકંદરે ક્રૂડતેલના નીચા ભાવથી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધ ઘટતી હોવાથી  ભારતીય અર્થતંત્ર પર તેની સકારાત્મક અસર પડતી હોય છે. જોકે, અલનિનોને કારણે ફુગાવો ઊંચી સપાટીએ રહેતાં ક્રૂડતેલના ઓછા ભાવની સકારાત્મક અસર મર્યાદિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં ઈન્ડિયા રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ગત નાણાકીય વર્ષ 2026નાં બે ટકા સામે વધીને સરેરાશ 4.9 ટકા રહેવાની અને ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2026નાં જીડીપીનાં 0.6 ટકા હતી તેની સામે વધીને 1.5 ટકા રહેવાની ધારણા મૂકી છે. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ અને ફર્ટિલાઈઝરની સબ્સિડીને કારણે 4.3 ટકા ખાધનો લક્ષ્યાંક જાળવવો પડકારરૂપ બનશે. જોકે, સીધા વેરાની વસૂલી અને બિનવેરાકીય આવકો તથા આડકતરા વેરાની આવકો રાજકોષીય ખાધ પડકારો સામે ટેકો આપે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.