નેપ્યીડૉઃ મ્યાનમારની સેના દ્વારા શુક્રવારે મધ્ય સાગાંગ વિસ્તારમાં આવેલા એક બૌદ્ધ મઠ પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મઠમાં ચાલી રહેલા એક સપ્તાહના 'મેડિટેશન કેમ્પ' પર ફાઇટર જેટ દ્વારા બોમ્બ ફેંકવામાં આવતા 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે સામાન્ય નાગરિકો પર થઈ રહેલા આવા જીવલેણ હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે.
મ્યાઉંગ ટાઉનશિપના સ્વેલ લે ઓહ ગામમાં થયો હુમલો
સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. આ ઘટના મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી આશરે 75 કિલોમીટર પશ્ચિમમાં આવેલા મ્યાઉંગ ટાઉનશિપના સ્વેલ લે ઓહ ગામમાં બની હતી. મ્યાઉંગ ટાઉનશિપના સિવિલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા ન્વે ઊ (Nway Oo) દ્વારા આ ગોઝારી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.
મૃતકોમાં મહિલાઓ પણ સામેલ
પ્રવક્તા ન્વે ઊના જણાવ્યા પ્રમાણે જ્યારે ગામના લોકો મઠ પરિસરમાં ધ્યાન શિબિરમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે જ એક ફાઇટર જેટે અચાનક ત્યાં બોમ્બમારો કર્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શાંતિ અને આત્મ-ચિંતનની જગ્યા ગણાતો મઠ ગણતરીની મિનિટોમાં જ મોતની ખીણમાં ફેરવાઈ ગયો હતો.
News Alert! Military airstrike on Buddhist monastery in central Myanmar kills 14 people, opposition group and villagers say, reports AP pic.twitter.com/VXkjkEyX7Z
— Press Trust of India (@PTI_News) August 21, 2026
મ્યાનમારમાં સામાન્ય નાગરિકો માટે વધતો ખતરો
નોંધનીય છે કે, મ્યાનમારમાં સૈન્ય અને લોકશાહી-સમર્થક સશસ્ત્ર જૂથો તથા જાતીય સશસ્ત્ર સંગઠનો વચ્ચે લાંબા સમયથી ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેના દ્વારા પોતાના વિરોધીઓને દબાવવા માટે સતત હવાઈ તાકાતનો ઉપયોગ કરવામાં આવે છે. સાગાંગ પ્રાંત આ હિંસક સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. સ્થાનિકો અને વિપક્ષી જૂથોનો સતત એવો આરોપ રહ્યો છે કે સેનાના આવા સૈન્ય ઓપરેશનોમાં મોટાભાગે નિર્દોષ નાગરિકો જ ભોગ બને છે. બૌદ્ધ મઠ જેવી શાંતિપૂર્ણ જગ્યાને નિશાન બનાવવાની આ ઘટના સ્પષ્ટ કરે છે કે, યુદ્ધમાં સીધી રીતે સામેલ ન હોય તેવા સામાન્ય લોકો માટે પણ હવે મ્યાનમારમાં સુરક્ષાનું મોટું સંકટ ઉભું થયું છે.