Sat Aug 29 2026

Logo

યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાનો ભીષણ ડ્રોન હુમલો; 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ

Kryvyi Rih   2026-08-22 07:55:53
Author: Vimal Prajapati
યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાનો ભીષણ ડ્રોન હુમલો; 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ

ક્રિવી રીહઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી એક પણ દેશ પીછેહઠ કરવા માટે તૈયાર નથી. એકબીજા દેશો પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે, તેવામાં રશિયા ફરી યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહમાં એક શોપિંગ મોલ પર મોટો હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે, આ ભીષણ હુમલામાં 14 યુક્રેનિયનોના મોત થયાના અહેવાલો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મધ્ય યુક્રેનિયન શહેર ક્રિવી રીહમાં એક શોપિંગ સેન્ટર પર રશિયન ડ્રોન હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ હુમલામાં 121 થી પણ વધારે લોકો ઘાયલ થયાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ક્રિવી રીહ શહેર વોલોડીમીર ઝેલેન્સ્કીના ગૃહનગર પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. રશિયા દ્વારા આ શહેર પર સતત બે વખત ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. આ હુમલામાં 14 લોકોના મોત થયાં છે, જ્યારે 121 થી પણ વધારે લોકો ઘાયલ થયાં છે, જેમાંથી કેટલાકની હાલત વધારે ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું છે.

રશિયાએ કરેલા હુમલાને ઝેલેન્સ્કીએ આતંકવાદી હુમલો ગણાવ્યો

આ મામલે વોલોડીમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, રશિયાએ ક્રિવી રીહમાં એક શોપિંગ સેન્ટર પર મોટો હુમલો કર્યો છે. રશિયાએ ડ્રોનથી બે વખત હુમલો કર્યો, પહેલો હુમલો કર્યાં તે પછી આગ લાગી તેના અડધા કલાક પછી કટોકટી સેવા કર્મચારીઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે’. જે લોકોના આ હુમલામાં મોત થયાં તેમના પરિવાર માટે વોલોડીમીર ઝેલેન્સ્કીએ સંવેદનાઓ પણ વ્યક્ત કરી છે.

વધુમાં વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આવા પ્રકારનો હુમલો આતંકવાદીથી ઓછો નથી!’. આ હુમલા બાદ વોલોડીમીર ઝેલેન્સ્કીએ વિશ્વને આ મામલે દખલ કરવા માટે અપીલ કરી છે. કહ્યું કે, આવા પ્રકારના હુમલા માટે વિશ્વે રશિયાને આવી જ ભાષામાં જવાબ આપવો જોઈએ. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે રશિયા સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે તેવો પણ વોલોડીમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે.