Tue Sep 01 2026

Logo

4 વર્ષથી નાના બાળકને ભૂલથી પણ ન આપતા શરદીની આ દવા! સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ

2026-08-22 17:38:00
Author: Devayat Khatana
4 વર્ષથી નાના બાળકને  ભૂલથી પણ ન આપતા શરદીની આ દવા! સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ

નવી દિલ્હી: જો તમારું બાળક 4 વર્ષથી ઓછી ઉંમરનું હોય અને તમારી પાસે પહેલેથી જ શરદીની દવા હોય, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરદીના મેડિસિન કોમ્બિનેશન અંગેના નિયમો કડક બનાવ્યા છે. નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના રક્ષણ માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલેફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સ (FDCs)ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધો મૂકી દીધા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવી ફરજિયાત કરવામાં આવી છે કે આ દવાઓનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવો નહીં.

આ નિર્ણય નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)ની ભલામણો બાદ લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલેફ્રિન હાઇડ્રોક્લોરાઇડનું કોમ્બિનેશન નાની ઉંમરના બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધિત જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ઉંમરના બાળકો માટે અન્ય વધુ સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ હોવાથી દવાના ઉપયોગ અંગે સ્પષ્ટ સાવચેતી જરૂરી છે.

સરકારે દવા ઉત્પાદક કંપનીઓને પણ કડક સૂચનાઓ આપી છે. કંપનીઓએ દવાના લેબલ, પેકેજ ઇન્સર્ટ એટલે કે દવાની અંદરની માહિતી અને પ્રમોશનલ સામગ્રી પર ચાર વર્ષથી નાની ઉંમરના બાળકો માટે તેનો ઉપયોગ ન કરવાની સ્પષ્ટ ચેતવણી આપવી પડશે. આ પગલાનો હેતુ માતા-પિતા અને અન્ય સંભાળ રાખનારાઓને દવાના સંભવિત જોખમ અંગે સરળતાથી માહિતી મળી રહે અને ભૂલથી પણ નાના બાળકોને આ દવા આપવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે.

દવાના પેકેટ પર ચાર વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશનનો ઉપયોગ કરવો નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવાની રહેશે. કેન્દ્રના આ નિર્ણય બાદ સંબંધિત દવાઓનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપનીઓએ પોતાના ઉત્પાદનોના લેબલ અને પેકેજિંગમાં જરૂરી ફેરફાર કરીને આ ચેતવણી સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે.