અમદાવાદ: દેશભરમાં ચકચાર મચાવનારા 212.87 કરોડ રૂપિયાના જંગી સાયબર ફ્રોડ રેકેટમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલ (ઉંમર 29)ની સુરત શહેર સાયબર ક્રાઈમ સેલની ટીમે ધરપકડ કરી હતી. સાયબર સેલે અમરોલી વિસ્તારમાં દરોડો પાડી પ્રવિણ ધાધલના રહેણાંક સ્થળેથી 3 મોબાઈલ ફોન, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમકાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઈપ મશીન અને 35 ક્યુઆર કોડ સહિત 29,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
છેતરપિંડીનું વિશાળ નેટવર્ક બનાવ્યું
મૂળ બોટાદ જિલ્લાના જાળીલા ગામના રહેવાસી રાજદીપ ધાંધલે સાયબર માફિયાઓ સાથે મળીને આંતરરાજ્ય આર્થિક છેતરપિંડીનું વિશાળ નેટવર્ક ચલાવતો હતો. આરોપી રાજદીપે પોતાના નામે બોગસ અને ડમી ફર્મ ઊભી કરી હતી. આ નકલી પેઢીઓના આધારે તેણે વિવિધ 7 મુખ્ય બેંકોમાં કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આરોપી એક એકાઉન્ટ દીઠ 40,000 રૂપિયાનું તગડું કમિશન મેળવીને તમામ બેંક કિટ્સ, ચેકબુક અને ડેબિટ કાર્ડ્સ અગાઉ ઝડપાયેલા મુખ્ય સાગરીત પ્રવિણ જીલુભાઈ ધાધલને સોંપતો હતો અને સાયબર માફિયાઓને ગુનાહિત વ્યવહારો માટે સવલત પૂરી પાડતો હતો. પોલીસ તપાસ દરમિયાન વિવિધ બેંકોના કુલ 154 બેંક ખાતાઓની હિસ્ટ્રી ચકાસતાં તેમાં અત્યાર સુધીમાં 212,87,97,974 રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું ખુલ્યું છે.
તપાસ શરૂ કરશે પોલીસ
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 410 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે, જેમાં સીધી રીતે 40,54,14,238 રૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ આરોપીની ધરપકડથી સમગ્ર કૌભાંડના વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ સમગ્ર કેસને લઈને પોલીસી અન્ય રીતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર ફ્રોડ અંગે બીજા કેટલાક લોકો જોડાયેલા હોવાની પણ પોલીસને આશંકા છે. પોલીસ પૂછપરછમાંથી આ વિગત જાણીને આગળની દિશામાં તપાસ શરૂ કરી શકે છે.